Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

૬ જૂન આસપાસ મુંબઇમાં મેઘરાજાની પધરામણી

મુંબઇમાં વાદળા છવાયા : ૪ દિ' વહેલું બેસવા હવામાન ખાતાની આગાહી : કેરળમાં ૪ દિ' વ્હેલું ધમધોકાર આગમનથી ખેડૂતો ખુશખુશાલ

મુંબઈ તા. ૨૯ : દેશવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે નૈઋત્યનું ચોમાસું કેરળમાં દાખલ થઈ ગયું છે. તો મુંબઈમાં આ વખતે ચાર દિવસ જલદી એટલે કે છ જૂન સુધીમાં ચોમાસું દાખલ થઈ જશે એવી આગાહી ઈંડિયન મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટે (આઈએમડી)  કરી છે. આ દરમિયાન કેરળ-કર્ણાટકના કિનારા પર સર્જાયેલા હવાના ઓછા દબાણના પટ્ટાને કારણે મુંબઈમાં દિવસભર વાદળિયું વાતાવરણ રહ્યું હતું.

સ્કાયમેટે કેરળમાં ૨૮ મેના રોજ ચોમાસું દાખલ થશે એવી શકયતા વર્તવી હતી તે મુજબ ૨૬ મેના રોજ આંદામાનમાં દાખલ થયા બાદ સોમવારે સવારના એટલે કે ૨૮ મેના જ ચોમાસું કેરળમાં બેસી ગયું હતું. જોકે દેશની સત્તાવાર હવામાન સંસ્થા ગણાતી આઈએમડીએ આગામી ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસું દાખલ થશે એવી જાહેરાત સોમવાર સવારના કરી હતી. ઉલ્લેખનીય છે કે કેરળમાં ચોમાસું ૨૯ મેના રોજ દાખલ થવાની શકયતા હવામાન ખાતાએ વ્યકત કરી હતી તેને ખોટી પાડતા એક દિવસ પહેલા જ ચોમાસાએ કેરળમાં પ્રવેશ કરી લીધો હતો.

ચોમાસાનું કેરળમાં આગમન થઈ ગયું છે ત્યારે ભારતીય હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ મુંબઈ સહિત દેશમાં ચોમાસું દાખલ થવા માટે હવામાન અનુકૂળ છે. કેરળમાં ચોમાસું બેસી જતા ધીમી ગતિએ ચોમાસું દેશમાં આગળ વધશે. કોલાબા વેધશાળાના ડાયરેકટર બિશ્વંભર સિંહના જણાવ્યા મુજબ કેરળમાં ચોમાસું દાખલ થયું છે, ત્યારબાદ આગામી બે-ત્રણ દિવસમાં કર્ણાટકમાં ચોમાસું પ્રવેશ કરીને કોંકણ માર્ગે મુંબઈમાં બેસી જશે. જોકે મુંબઈમાં આ વખતે ચાર દિવસ વહેલું એટલે કે છ જૂન સુધીમાં ચોમાસું બેસી જશે.

મુંબઈમાં ચોમાસું જલદી બેસવાની શકયતા છે ત્યારે ગઇકાલે દિવસ દરમિયાન મુંબઈમાં વાદળિયું વાતાવરણ રહ્યું હતું તેને કારણે આખો દિવસ ભારે ઉકળાટ અને ગરમી રહી હતી. વાદળિયા વાતાવરણને કારણે ચોમાસું બેસી ગયું હોવાની લાગણી થઈ રહી હતી ત્યારે બિશ્વંભર સિંહે જણાવ્યું હતું કે, કર્ણાટક અને કેરળ કિનારા પર હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે તો કેરળ, કર્ણાટક અને ગોવામાં જમીનથી ઉપર અપર સર્કયુલેશન સર્જાયું છે, તેને કારણે કર્ણાટક, ગોવામાં વાદળિયું વાતાવરણ થયું છે અને તેની જ અસર મુંબઈને પણ થઈ હોવાને કારણે આખો દિવસ મુંબઈમાં વાદળિયું વાતાવરણ રહ્યું હતું અને ભારે ઉકળાટ થઈ રહ્યો હતો. આગામી બે-ત્રણ દિવસ આવું જ વાતાવરણ રહેવાની શકયતા છે.

કેરળમાં ચોમાસું બેસવા બાબતે ભારતીય હવામાન ખાતાના કહેવા મુજબ ૧૦ મે બાદ દક્ષિણના ૧૪ સ્ટેશન મિનિકોય, અમીની, થીરૂવેન્થપુરમ, પુનાલુર, કોલમ, અલાપુઝા, કોટ્યામ, કોચી, થિરૂસર, કોઝીકોડે, થાલાસ્સરી, કધનુર, કુડુલુ અને મેંગ્લોરમં ૨.૫ મિલીમીટર અથવા તેનાથી વધારે વરસાદ સતત બે દિવસ પડે તો બીજા જ દિવસે કેરલામાં ચોમાસું બેસી ગયું હોવાની આગાહી કરવામાં આવતી હોય છે. ચોમાસાના આગમનની જાહેરાત માટે આ મુખ્ય માપદંડ કહેવાય છે.

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વેનું વાતાવરણ જામ્યું : કેટલેક સ્થળે વરસાદ : ૧નું મોત

મુંબઇ : કેરળ પછી હવે કોંકણ - મહારાષ્ટ્રમાં ચોમાસુ બેસવાની તૈયારીમાં છે અને રાજયના મોટાભાગના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ચોમાસાં પહેલાના વરસાદે રાજયના લાતુર જિલ્લાના નિલંગા તાલુકામાં એકનો ભોગ લીધો હતો. લાતુર જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડયો હતો, જેમાં વીજળી પડતા એક ખેડૂતનું મૃત્યુ થયું હતું. આ ગામમાં ભારે પવન અને વીજળીને કારણે અનેક ઝાડ તૂટી ગયા હતા અને મોબાઈલનો ટાવર પણ તૂટી પડ્યો હતો. એ સિવાય કોંકણમાં સિંધુર્દુગ વિસ્તારમાં પણ ચોમાસા પહેલાના વરસાદી ઝાંપટાએ લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત અપાવી હતી. એ સિવાય વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ઉષ્ણતામાનમાં ઘટાડો થયો હતો.

(12:13 pm IST)