Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

દેશમાં ભયંકર કૃષિ કટોકટી

અટલજીએ આવા મુદ્દા માટે જ ૨૦૦૩માં સંસદ બોલાવી હતી : ચર્ચા માટે સંસદ બોલાવવા કિસાન આગેવાનોની માંગણી

નવી દિલ્હી તા. ૨૯ : અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સુસંકલન સમિતિ (એઆઇકેએસસીસી)ના આગેવાનોએ સોમવારે રાષ્ટ્રપતિને વિનંતિ કરી હતી કે હાલમાં ભારતમાં ચાલી રહેલી કૃષિલક્ષી કટોકટી અંગે ચર્ચાવિચારણા કરવા માટે સંસદનું ખાસ સત્ર તાબડતોબ બોલાવો.

૧૭ સભ્યનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું હતું તેમ જ તેમને સોંપેલા એક નિવેદનપત્રમાં ખેડૂતોના કરજની કટોકટી અંગે સત્વરે ચર્ચાવિચારણા કરવી તેમ જ ખેતીવાડીની પેદાશોના લઘુતમ ટેકાના ભાવોની ગેરંટી આપવાનું જણાવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્તમાન સંજોગોમાં ખેતીવાડીની કટોકટીની ચર્ચાવિચારણા કરવા માટે સંસદનું ખાસ સત્ર યોજવું જ એકમાત્ર રસ્તો છે. જોકે ગૃહમાં અંધાધૂંધી, અવ્યવસ્થા તેમ જ હોબાળો જોતાં અવિશ્રાસના ઠરાવને આગળ ધપવા દેવામાં આવતો નથી. જો ભારતમાં જીએસટી માટે મધરાતે ખાસ સત્ર યોજી શકાતું હોય તો ભારતદેશની અન્ન સલામતી માટે જીવનાં બલિદાન દેતા ધરતીના તાતના જીવ બચાવવા વિશિષ્ટ સત્ર યોજવાને લાયક છે કે નહીં?

એઆઇકેએસસીસીના પ્રતિનિધિમંડળે કહ્યું કે અમારી બે માગણીઓ એકમેક સાથે સંકળાયેલી છે. અમારી ઈચ્છા છે કે ખેડૂતોના કાનૂની હકોના રક્ષણ કરવા માટે અમારી આ માગણીઓ સંતોષવામાં આવે. તેમના નેતા હન્નાન મોલ્લાહે કહ્યું કે લાભદાયી ભાવના મુદ્દાનું નિવારણ નહીં કરાય તો કિસાનો ફરીવાર કરજની જાળમાં ફસાઈ જશે. દેવામાંથી રાહત આપ્યા વગર માત્ર ભાવના મુદ્દાનું નિરાકરણ આવશે તો તેમાંથી જે કંઈ વધારે મળશે તે વધુ લોન ચૂકવવામાં જ કામ લાગશે.

ભારતમાં ૩.૫ લાખ ખેડૂતો આત્મહત્યા કરતા હોવાથી સંસદનું ખાસ સત્ર બોલાવી શકાય છે. વર્ષ ૨૦૦૩ના ડિસેમ્બરમાં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઉત્તર પ્રદેશના બસ્તી ખાતે શેરડીની કટોકટીને લીધે જીવ ટૂંકાવનાર કિસાનોની સમસ્યા અંગે સંસદમાં ચર્ચાવિચારણા કરવા સંસદનું ખાસ સત્ર યોજયું હતું, એમ અતુલ અંજન નામક આગેવાને લખ્યું હતું.

આ નેતાઓએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિએ અમને અગ્રતાના ધોરણે આ મામલે તપાસ આદરવાની બાંયધરી આપી છે.

(11:37 am IST)