Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

શ્રીનગર - ઉત્તરાખંડ - શિમલાના જંગલોમાં દાવાનળ ભભૂક્‍યો

ઉત્તર ભારત આગના સકંજામાં સપડાયું : ભીષણ આગ : ધુવાંડાની ચાદરમાં હિમાલય ઢંકાઇ ગયો : વન્‍ય જીવો - વનસ્‍પતિ - વૃક્ષોનો વિનાશ

નવી દિલ્‍હી તા. ૨૯ : સમગ્ર ઉત્તર ભારત આગની ઝપેટમાં આવી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી હિમાલયના જંગલોમાં ભીષણ આગ લાગી રહી છે. એક તરફ જંગલોમાં દાવાનળ ફાટ્‍યો છે. તો બીજી તરફ વનવિભાગ કુદરત સામે લાચાર છે. જંગલોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં વનવિભાગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ માત્ર રોડ સુધી જ પહોંચી શકે છે.

જમ્‍મૂ-કશ્‍મીરના રાજૌરીમાં તાપમાનનો પારો ઉંચો જતા જંગલમાં દાવાનળ ફાટ્‍યો. જંગલની આગ છેક શાળા સુધી પહોંચી ગઈ. હાલ આગ પર કાબૂ મેળવવા માટે સ્‍થાનિકો પણ કામે લાગી ગયા છે. સુરક્ષાને ધ્‍યાને રાખીને શાળાને બંધ કરી દેવામાં આવી છે.

હિમાચલપ્રદેશના શિમલામાં  વનવિભાગના અધિકારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. અને ૨૪ કલાકમાં આગ પર કાબૂ મેળવવા માટે અલ્‍ટીમેટમ આપવામાં આવ્‍યું છે.

જમ્‍મૂ-કશ્‍મીરના રાજૌરીમાં જંગલમાં પણ ભીષણ આગ લાગી છે. જંગલોમાં લાગેલી આગના કારણે સ્‍થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આગના કારણે વન્‍યજીવો અને વનસંપત્તિને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. આગના કારણે ફેલાતા ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જંગલની આગ આગળ વધતી જઈ રહી છે.

અધિકારીઓ અને કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ જંગલ વિસ્‍તારમાં ફાયર બ્રિગેડની ગાડી પહોંચાડવી મુશ્‍કેલ છે. આગને કાબૂમાં લેવા માટે લોકો દ્વારા પુરતા પ્રયાસો થઈ રહ્યા છે.ᅠ

આ તરફ ઉત્તરાખંડના બાગેશ્વર અને ગરૂડ જિલ્લાના જંગલોમાં પણ આગ બેકાબૂ થઈ રહી છે. આગ પર કાબૂ મેળવવામાં તંત્ર નિષ્‍ફળ સાબિત થયેલ છે. જોકે આગને કાબૂમાં લેવા માટે વન વિભાગે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. જિલ્લાના કપકોટ, કાંડા, ધરમઘર, કત્‍યૂરના જંગલમાં છેલ્લા કેટલાક દિવસથી આગ ભડકી રહી છે. હિમાલય પણ ધૂમાડાની ચાદર નીચે છૂપાઈ ગયો છે. જોકે આગના કારણે વનસંપત્તિને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.ᅠ

મહત્‍વનું છેકે સોલન શિમલા અને સોલન જિલ્લામાં કસૌલીના જંગલમાં લાગેલી આગ વાયુ સેનાના સ્‍ટેશન સુધી પહોંચી ગઈ હતી. જોકે હેલિકોપ્‍ટરની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. પ્રદેશના અન્‍ય જંગલોમાં પણ આગ લાગ્‍યાની જાણકારી મળી છે. તો હિમાચલમાં ૧૧૯ સ્‍થળોએ આગે તાંડવ મચાવ્‍યો છે. આગના કારણે વન્‍યજીવો અને વન્‍યસંપત્તિને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. તો સ્‍થાનિકો પણ તંત્ર સામે રોષે ભરાયા છે.

(11:25 am IST)