Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

‘સાવરકર' આટલું જ બોલો ત્‍યાં તો આપણી આસપાસના વાતાવરણમાં વીરતાની ખુશ્‍બુ આવવા લાગે છેઃ જવલંત છાયા

‘વીર' વિશેષણ લગાડવાની જરૂર ખરી?

રાધાબાઇની કૂખ અને દામોદારરાવજીનું કૂળ ઉજાળનાર વિનાયકરાવ સાવરકરને વંદન. વીર વિશેષણ એમના નામની આગળ લાગતું આવ્‍યું છે. પણ એની જરુર કદાચ નથી. સાવરકર એટલું બોલીએ અને આપણી આસપાસની હવામાં,વાતાવરણમાં વીરતા અ દેશભક્‍તિની ખુશ્‍બુ આવવા લાગે. હું ચાહક,સમર્થક તો ગાંધીજીનો. ગાંધીઅન થોટ મને આકર્ષે. પણ એટલે બીજા કોઇનું યોગદાન જ નહીં એમ કેમ કહેવાય? બન્નેના વિચાર અલગ,પણ ધ્‍યેય તો એક. મા ભારતીને ગુલામી માંથી મુક્‍ત કરાવવાનું. લાંબી વાત તો નથી કરવી પણ બન્નેના જીવનમાં ઘણું સમાંતર ચાલ્‍યું. બાપૂ ત્‍યાં આફ્રિકામાં લોકોને જગાડી રહ્યા હતા. તો વિનાયકજી ઇન્‍ડિયા હાઉસ નામની પરદેશી ઇમારત માંથી ક્રાંતિને હવા આપી રહ્યા હતા. સાવરકરજીની દેશભક્‍તિ જેવી શુધ્‍ધ-સફેદ હતી. ધ્‍યેય શું? અરે ધ્‍યેય-લક્ષ્ય એક જ દેશ આઝાદ થાય અને હિન્‍દુ રાષ્ટ્ર બને.ᅠ માટે એમણે ઘણું કર્યું, ઘણું સહ્યું. આપણે આજે પણ ઇતિહાસમાં બાળકોને ‘૧૮૫૭નો વિપ્‍લવ' એવું ભણાવીએ છીએ. પણ એ બળવો હતો કે ક્રાંતિ? ધ ઇન્‍ડિયન વોર ઓફ ઇન્‍ડીપેન્‍ડન્‍સ ગ્રંથ એમણે એ સમયમાં આપ્‍યો અને કેવી આગ હશે એ શબ્‍દોમાં કે અંગ્રેજોએ એના પર પ્રતિબંધ મૂકી દીધો.

બબ્‍બે વાર જનમટીપ અને પછી તો સેલ્‍યુલર જેલમાં કાળાપાણીની સજા. જેમણે આંદામાનની એ જેલ જોઇ છે એમને ખબર છે કે પ્રકાશ તો શું, હવા પણ માંડ પ્રવેશ કરી શકે એવી કોટડીમાં એ રહ્યા. આમ તો શ્વાસ પણ રુંધાઇ જાય. પણ ધબકાર બરકરાર રહે કારણ કે એમાં સંભળાતો હતો દેશભક્‍તિનો અવાજ. લાલ,બાલ,પાલની ત્રિપૂટીથી સંલગ્ન અને પ્રભાવિત વિનાયકજીને પં.શ્‍યામજી કૃષ્‍ણ વર્મા તરફથી પણ પ્રોત્‍સાહન મળ્‍યું. આઝાદીની લડત દરમિયાન બંગભંગનો એમણે વિરોધ કર્યો અને પછી ભારત વિભાજનની પણ એ વિરુધ્‍ધ રહ્યા. ૧૯૪૨માં જયારે કોંગ્રેસે કહ્યું ક્‍વીટ ઇન્‍ડિયા, ત્‍યારે સાવરકરે કહ્યું- ‘કવીટ ઇન્‍ડિયા બટ કીપ યોર આર્મી.....'

જેને હું સંતની કક્ષાએ ગણું છું એવા ગાંધીજીની હત્‍યાનું આળ પણ એમના પર આવ્‍યું. ઇતિહાસમાં એ ઘટનાના અનેક ઉલ્લેખ છે. નોંધ છે. પણ તટસ્‍થતાથી કહેવું જોઇએ કે એમની દેશભક્‍તિ અને એ આળને સાંકળીએ નહિ તો ચાલે. પ્રખર બુધ્‍ધિવાદી, સારા વક્‍તા, લોકોનું ઘડતર કરનાર નેતાની યાદી બને તો એ વિનાયક સાવરકરના નામ વગર અધૂરી જ રહે.

આલેખન : જવલંત છાયા

ફેસબુક પોસ્‍ટ, સાભાર

(4:33 pm IST)