Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ન્યુઝીલેન્ડમાં દોઢ લાખ ગાયોને મારી નખાશે

પશુજન્ય 'માઇક્રોપ્લાઝમા બોપિસ' રોગચાળો અટકાવવા કમકમાટીભર્યો નિર્ણય લીધો : દેશભરમાં રોગચાળો ફેલાઇ રહ્યાનો દાવો : વડાપ્રધાનનું ભાવુક નિવેદન : અબોલ જીવોનો નાશ કરવાનો નિર્ણય ન છૂટકે લેવો પડયો છે : અમારી પાસે બે જ વિકલ્પ હતા : એક તો બિમારી અટકાવવા સંક્રમણગ્રસ્ત ગાયોનો નાશ કરવો અથવા દેશ આખામાં રોગચાળો ફેલાવા દેવો : 'બોવિસ' દ્વારા વિચિત્ર તાવ - સાંધા જકડાવા અને ગાંઠ થવાની બિમારી થાય છે : તેને નાથવા ૪૧૫૦ કરોડ વાપર્યા : અમારી કૃષિ આધારિત ખેતીને ભારે નુકસાન થશે : પણ કોઇ વિકલ્પ નથી : ન્યુઝીલેન્ડમાં ૧ કરોડ ગાયો છે : ડેરી ઉદ્યોગ મોટા પાયે છે

વેલિંગ્ટન તા. ૨૯ : ન્યૂઝીલેન્ડમાં ચિંતાજનક રીતે વધી રહેલી માઈક્રોપ્લાઝમા બોવિસ નામની બીમારીને અટકાવવા માટે સરકારે ૧.૨૬ લાખ ગાયોને મારવાનો આદેશ આપ્યો છે. દેશભરમાં ફેલાતી બીમારીને કાબુમાં લેવા માટે આ આકરો નિર્ણય લેવાયાની સરકારે જાહેરાત કરી હતી. આ અહેવાલોથી ભારતમાં ભારે અરેરાટી ફેલાઇ ગઇ છે.

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંન્ડા આર્ડેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણય અમારા માટે બહુ મુશ્કેલ હતો. અબોલ જીવોનો નાશ કરવાનો નિર્ણય ન છૂટકે લેવો પડયો છે. કારણ કે અમારી પાસે બે જ વિકલ્પો હતો - એક તો બીમારીને અટકાવવા માટે જેમાં સંક્રમણ ફેલાયું હતું તે ગાયોનો નાશ કરવો અથવા તો આખા દેશમાં એ બીમારી ફેલાવવા દેવી. આખરે અમે ૧.૨૬ લાખ ગાયોનો નાશ કરવાનો નિર્ણય લીધો છે.

બોવિસ નામની આ બીમારીના કારણે વિચિત્ર પ્રકારનો તાવ આવે છે, ગાંઠ થાય છે અને સાંધા જકડાઈ જવાની બીમારી શરીરમાં જોવા મળે છે. સરકારે દાવો કર્યો હતો કે આ બીમારીથી લડવા માટે અત્યાર સુધીમાં ૪૧૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂકયો છે.

ગાયોના નાશ કરવાથી કૃષિ આધારિત અર્થતંત્રને ભારે નુકસાન થશે, પણ એ આકરા નિર્ણય વગર બીજો વિકલ્પ ન હતો એવું કહીને વડાપ્રધાને કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડમાં ૧ કરોડ કરતા વધુ ગાયો છે અને ડેરી ઉદ્યોગ ન્યૂઝીલેન્ડમાં બહુ જ મોટાપાયે છે. આટલી ગાયોનો નાશ થશે એટલે ન્યૂઝીલેન્ડને કરોડોનું નુકસાન થશે એમ પણ સરકારી નિવેદનમાં કહેવાયું હતું.

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં આ બીમારીને અટકાવવા માટે ન્યૂઝીલેન્ડમાં ૨૪,૦૦૦ ગાયોનો નાશ કરાયો હતો. આ મવેશિયો ગાયોમાં ફેલાયેલી બીમારીની લપેટમાં અન્ય પશુઓ પણ આવ્યા છે. દુનિયાના કુલ દૂધ ઉત્પાદનમાંથી ૩ ટકા ઉત્પાદન એકલા ન્યૂઝીલેન્ડમાં થાય છે.

(10:09 am IST)