Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

ભારતમાં રોજ ૪૫૦૦ જેટલા મોત થઇ શકે છેઃ નિષ્ણાતો

યુપી-બિહાર-બંગાળ જેવા રાજયોમાં હવે કોરોના તાંડવ મચાવશેઃ વાયરસ હજુ બિહામણો બનશે

નવી દિલ્હી, તા.૨૯: ભારતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે હવે મિશિગન યુનિવર્સિટીની એક રિપોર્ટે ચિંતા વધારી છે.

ભારતમાં કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે અને મહારાષ્ટ્ર, પંજાબ., છત્તીસગઢ અને ગુજરાત જેવા રાજયોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે ત્યારે એક ચિંતાજનક રિપોર્ટ સામે આવી છે.

મોટા ભાગના નિષ્ણાતોનું માનવું છે કે મે મહિનામાં કોરોના વાયરસનો પિક આવશે ત્યારે એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મે મહિનામાં ભારતમાં દૈનિક મોતનો આંક સાડા ચાર હજારની આસપાસ જઈ શકે છે અને દરરોજ ૮ થી ૧૦ લાખ કેસ સામે આવી શકે છે. મિશિગન યુનિવર્સિટીના નિષ્ણાત ભ્રમર મુખર્જીનું કહેવું છે કે ફેબ્રુઆરી મહિનામાં જ કોરોનાએ પોતાનો રંગ બતાવવાનો શરૂ કરી દીધો હતો છતાં તેને ગંભીરતાથી લેવામાં આવ્યા નહીં.

ભ્રમર મુખર્જીનું માનીએ તો જો આ વર્ષે જ વેકિસનેશન કરવાની પ્રક્રિયામાં તેજી લાવી દેવામાં આવી હોત તો કદાચ મહામારીનું આ રૂપ જોવા મળ્યું ન હોત. તેમણે કહ્યું કે આપણે ખૂબ બધો સમય ગુમાવી દીધો અને કોરોના વાયરસને રોકવાના બે જ ઉપાય છે.

ભ્રમર મુખર્જીએ કહ્યું કે મહામારીને રોકવાના બે જ ઉપાય છે, વેકિસન અથવા લોકડાઉન. લોકડાઉન સ્થાયી સોલ્યુશન નથી અને આખી દુનિયાએ લોકડાઉનના પરિણામ જોઈ લીધા છે અને ભારત જેવા વિશાળ દેશમાં કોરોના વાયરસે અત્યારે વિકરાળ રૂપ ધારણ કરી લીધો છે. મિશિગન યુનિવર્સિટીની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સવા અબજની વસ્તી વાળા દેશમાં વેકિસન આપવી એ ખૂબ જ અઘરું કામ છે અને એવામાં લોકોએ જાતે જ પોતાનો બચાવ કરવો પડશે.

ભ્રમર મુખર્જીએ ટ્વિટર પર કહ્યું કે યુપી, બિહાર, બંગાળ જેવા મોટા રાજયો તો ટાઈમ બોમ્બ પર બેઠા છે અને અહિયાં કોરોના વાયરસના વિસ્ફોટને કોઈ નહીં રોકી શકે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં જયારે દરરોજ ૧૧ હજાર કેસ અને ૯૧ મોત થઈ રહી હતી ત્યારે ૯ સપ્તાહ તો સરકારે માત્ર અનુમાન કરવામાંઆ જ કાઢી દીધા. કોરોના વાયરસ બધાને દ્યેરી ચૂકયો અને હવે આ મહામારીથી બચવા માટે એક જ ઉપાય છે અને તે છે વેકિસનેશન.

માર્ચ મહિનાથી ભારતમાં કોરોના વાયરસના કેસમાં અચાનક જ ઉછાળો જોવાં મળ્યો હતો અને તે બાદ સતત કેસ વધી રહ્યા છે. દેશની હોસ્પિટલો ઉભરાઇ ગઈ છે અને લોકો સારવાર વિના જ દમ તોડી રહ્યા છે. ઈન્જેકશનો અને ઓકસીજન ખૂટી પડ્યું છે અને હાલત એ છે કે હવેથી સ્મશાનોમાં જગ્યા નથી અને લાકડાઓ ખૂટી રહ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ૩,૭૯,૨૫૭ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૬૪૫ લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવતાં હાહાકાર જેવી સ્થિતિ છે. જોકે રાહતની વાત કહી શકાય કે ૨,૬૯,૫૦૭ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા પણ થયા છે.

(3:52 pm IST)