Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

રસી મુકાવ્યા પછી વધુ સુરક્ષિત થવાનો રિસર્ચરોનો દાવો

કોવિશીલ્ડ લેનાર દર ચાર વ્યકિતમાંથી એક વ્યકિતમાં જ દેખાય છે આડઅસર

નવી દિલ્હી તા. ૨૯ : એક રિસર્ચ રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં કોવિશીલ્ડ નામથી અપાતી રસી લેનાર દર ચાર વ્યકિતમાંથી એકમાં જ હળવા અને થોડો સમય રહેનારા લક્ષણો, જેમકે માથું દુખવું, ચક્કર આવવા જેવી આડઅસરો જોવા મળી રહી છે.

આ માહિતી રિસર્ચ જર્નલ લાન્સેટમાં પ્રકાશિત એક રિપોર્ટમાં અપાઇ છે. રિસર્ચ રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં કોવીશીલ્ડ નામથી અપાતી રસી લેનાર દર ચાર વ્યકિતમાંથી એકમાં જ આવા લક્ષણો જોવા મળે છે.

વેકસીનની આડઅસર અંગેનું આ રિસર્ચ બ્રિટનની કીંગ્સ કોલેજ લંડનના રિસર્ચરોએ કર્યું હતું. રિસર્ચ અનુસાર રસી મુકાવનારને આડઅસર શરૂઆતના ૨૪ કલાકમાં વધારે રહે છે અને તે વધુ એક બે દિવસ સુધી રહી શકે છે.

રિસર્ચરોએ કોવિડ સ્ટડી એપના આંકડાઓનો અભ્યાસ કરીને જે વિશ્લેષણ કર્યું તેનાથી જાણવા મળ્યું કે ફાઇઝર અને એસ્ટ્રેજેનેકા રસીની સામાન્ય લોકો પર સાઇડ ઇફેકટ બહુ મામુલી છે. રિસર્ચમાં એ પણ દાવો કરવામાં આવ્યો કે રસીનો પહેલો ડોઝ લેવાના ૧૨ થી ૨૧ દિવસોમાં સંક્રમણ દરમાં બહુ ઘટાડો થયો. ફાઇઝરનો પહેલો ડોઝ લેવા પર સંક્રમણ દરમાં ૫૮ ટકા અને એસ્ટ્રેજેનેકા રસીનો પહેલો ડોઝ લેવા પર સંક્રમણ દરમાં ૩૯ ટકાનો ઘટાડો થયો.

રિસર્ચમાં કહેવામાં આવ્યું કે ફાઇઝર રસી લીધાના ૨૧ દિવસો પછી સંક્રમણ દરમાં ૬૯ ટકા અને એસ્ટ્રેજેનેકા રસીથી સંક્રમણ દરમાં ૬૦ ટકા ઘટાડો જોવા મળ્યો.

કિંગ્સ કોલેજના પ્રોફેસર ટી સ્પેકટરે કહ્યું કે, રિસર્ચના આંકડાઓ વિશ્વને એક સકારાત્મક મેસેજ આપશે કે રસી મુકાવ્યા પછી તમે વધુ સુરક્ષિત છો અને તેની સાઇડ ઇફેકટ અત્યંત મામુલી છે. રિસર્ચરોને જાણવા મળ્યું કે રસી મુકાવ્યા પછી માથાનો દુખાવો, ચક્કર આવવા, ધ્રુજારી આવવી, ઝાડા થવા, તાવ આવવો, સાંધામાં દુખાવો, સ્નાયુનો દુખાવો અને ઉલ્ટી થવી એ સામાન્ય બાબત છે. આ ઉપરાંત જ્યાં રસી મુકી હોય તે જગ્યાએ દુઃખવું, સોજો આવવો, ખંજવાળ આવવી પણ સામાન્ય છે. રસી લીધા પછી સાઇડ ઇફેકટ ૫૫ વર્ષથી વધુ વયના લોકો અને મહિલાઓમાં જ મોટા ભાગે જોવા મળી રહી છે.

(3:20 pm IST)