Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

સંક્રમિતોએ હદ કરી

બેંગ્લોર : ૩૦૦૦થી વધુ કોરોના દર્દીઓ લાપત્તા : ફોન પણ બંધ : સરકાર ઉંધા માથે

બેંગ્લોર તા. ૨૯ : કર્ણાટક સરકારે તાજેતરમાં જ લોકડાઉનની જાહેરાત કરી હતી. હવે તેની સામે વધુ એક સંકટ સામે આવી ગયુ છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજધાની બેંગ્લુરુમાં ૩ હજાર સંક્રમિત ગુમ છે. આટલું જ નહીં, આ લોકોના કોન્ટેકટ નંબર પણ બંધ આવી રહ્યા છે. આવામાં તંત્ર માટે ગુમ થયેલા સંક્રમિતોને શોધવું મુશ્કેલ થઇ ગયું છે. પોલીસને તેઓને શોધવાનું કહ્યું છે.

એક અહેવાલ મુજબ બેંગ્લુરૂ શહેરમાં ૩ હજાર કોરોના વાઇરસથી સંક્રમિત લોકો ગુમ છે. તેમને પકડવા માટે સરકારે પોલીસને આદેશ આપ્યા છે. રાજયના મહેસૂલ મંત્રી આર અશોકે દાવો કર્યો છે કે ગાયબ લોકો રોગચાળો ફેલાવી રહ્યા છે. કર્ણાટકમાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

બુધવારે રાજયમાં ૩૯,૦૪૭ નવા કેસો સામે આવ્યા અને ૨૨૯ દર્દીના મોત થયા. કર્ણાટકમાં આ એક દિવસમાં સૌથી મોટો આંકડો છે. જયારે બેંગ્લુરૂમાં કુલ ૨૨,૫૯૬ સંક્રમિત મળ્યા. મંત્રી અશોકે જાણકારી આપી છે કે પોલીસને છુપાયેલા લોકોને શોધવાનું કહેવામાં આવ્યું છે. જયારે પોલીસે રણનિતી પર મૌન સાધ્યું છે.

રાજયના સ્વાસ્થ્ય મંત્રી ડો. કે સુધાકરને જણાવ્યું કે લોકોના છુપાવવાનો મામલો ગત વર્ષથી ચાલી આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે અમે લોકોને મફત દવા આપી રહ્યા છે, જે ૯૦ ટકા કેસોને નિયંત્રિત કરી શકે છે. પરંતુ તેઓએ મોબાઇલ ફોન બંધ કરી દીધા છે. અશોકે જણાવ્યું કે મોટાભાગના સંક્રમિતોએ પોતાના ફોન કરી દીધા છે અને લોકોને તેમના રહેઠાણ અંગે જાણકારી નથી આપી રહ્યા. તેમણે જણાવ્યું કે તેનાથી વસ્તુ વધુ મુશ્કેલ થઇ રહી છે. તેમણે જણાવ્યું કે મને લાગે છે કે બેંગ્લુરૂમાં ઓછામાં ઓછા ૨ હજારથી ૩ હજાર લોકોએ પોતાનો ફોન બંધ કર્યા છે એને ઘર છોડી બીજે કયાંય જતા રહ્યા છે. અમે નથી જાણતા કે તેઓ કયાં ગયા છે.

અશોક સંક્રમિતોને પોતાનો ફોન ચાલુ કરવાની અપીલ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે હું હાથ જોડીને પ્રાર્થના કરૃં છું કે આ પ્રકારના વર્તનથી કોરોનાના કેસો વધશે. આ ખોટું છે, જયારે તમે અંતિમ સમયે આઈસીયૂ બેડ શોધો છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે ઓછામાં ઓછા ૨૦ ટકા દર્દીઓ અમારા ફોનના જવાબ નથી આપી રહ્યા. પોલીસ તેમને તેમની રીતે શોધશે. ઉલ્લેખનીય છે કે રાજય સરકારે ૧૪ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. પ્રતિબંધો મંગળવારથી શરૂ થઇ ગયા છે.

(3:19 pm IST)