Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

રસીકરણઃ પ્રથમ દિવસે જ ૧.૩૩ કરોડ લોકોનું રજીસ્ટ્રેશન

અનેક રાજ્યો પાસે વેકસીનનો જથ્થો નથીઃ અભિયાન સફળ થશે ?

નવી દિલ્હી, તા. ૨૯ :. દેશભરમાં વધતા કોરોનાના કેસ અને ભયાનક સ્થિતિ જોઈ કેન્દ્ર સરકારે રસીકરણનો નિર્ણય લીધો છે. ગઈકાલથી કોવિન એપ પર ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટેનું રજીસ્ટ્રેશન શરૂ થયુ હતું. પહેલા તો લોકો એપ પર પોતાનુ નામ નોંધાવી શકતા નહોતા. સાંજે ૪ વાગ્યા બાદ નામ નોંધણી શરૂ થઈ તો એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૧.૩૩ કરોડ લોકોએ રસી લગાવવા માટે પોતાનુ નામ નોંધાવ્યુ.

આટલા બધા લોકોએ પોતાનુ નામ નોંધાવતા આગામી થોડા દિવસો સરકાર માટે પરેશાનીનું કારણ બની શકે છે. પહેલેથી જ રાજ્ય સરકારો કહેતી આવી છે કે તેમની પાસે રસીનો જથ્થો નથી. હોસ્પીટલોમાથી લોકોને રસી વગર પાછુ આવવુ પડતુ હતું. એક દિવસમાં ૨૫ થી ૩૦ લાખ લોકોનું જ રસીકરણ સંભવ છે.

એઈમ્સના એક ડોકટરના જણાવ્યા પ્રમાણે સમયસર રસીકરણ શરૂ કરવુ પડકારજનક રહેશે. આ અભિયાન સરળ નહિ હોય. દેશમાં ૫૯ કરોડની વસ્તી ૧૮થી ૪૪ વર્ષ વચ્ચેની છે. જ્યારે ૬૦ વર્ષથી ઉપરવાળાનું રજીસ્ટ્રેશન શરૂ થયુ તો એક દિવસમા ૨૫ લાખથી લોકો નામ નોંધાવતા હતા. તે પછી બીજા ચરણમાં નામ નોંધ્યા વગર લોકો રસી લગાવવા જઈ રહ્યા છે.

(11:01 am IST)