Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

શું કેન્દ્ર સરકાર લોકોને કોરોનાથી મરવા દેવા માંગે છે?’: દિલ્હી હાઇકોર્ટની સખ્ત ટિપ્પણી

હાઇકોર્ટે કહ્યું રેમડેસિવિર ઈન્જેક્શન આપવાના પ્રોટોકોલને જોતા તો આવું જ લાગે છે

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા જતાં કેસો અને કથળેલી સ્વાસ્થ્ય વ્યવસ્થાને લઈને દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે ફરીથી સુનાવણી થઈ હતા. આ દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારના પ્રયત્નો પર સખ્ત ટિપ્પણી કરતા કહ્યું કે, એવું લાગે છે કે કેન્દ્ર સરકાર લોકોને કોરોનાથી મરતા જોવા માંગે છે. રેમડેસિવિર ઈન્જેક્શન આપવાના પ્રોટોકોલને જોતા તો આવું જ લાગે છે.

કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નવા પ્રોટોકૉલ મુજબ, રેમડેસિવિર ઈન્જેક્શન એવા લોકોને જ આપવામાં આવશે, જે ઑક્સિજન સપોર્ટ પર છે. જેના પર કોર્ટે કહ્યું કે, આ આદેશ અયોગ્ય છે. હવે એવા દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શન નહીં મળે, જે ઑક્સિજન સપોર્ટ પર નથી.

કોર્ટે કહ્યું કે, આ નિયમથી એવું લાગી રહ્યું છે કે, તમે લોકોને મરતા જોવા માંગો છે. જસ્ટિસ પ્રતિભા એમ સિંહે જણાવ્યું કે, એવું લાગી રહ્યું છે કે, સરકારે પૂરવઠો વધારવાની જગ્યાએ પ્રોટોકૉલમાં જ બદલાવ કરી દીધો છે. જેથી ઈન્જેક્શનની કમીને છૂપાવી શકાય. આ સંપૂર્ણ મિસમેનેજમેન્ટ છે.

કોરોના સંક્રમણનો શિકાર બનેલા એક વકીલ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે આ ટિપ્પણી કરી છે. વકીલે પોતાના વકીલના માધ્યમથી કોર્ટમાં રજૂઆત કરી હતી કે, તેમને 6 ઈન્જેક્શનની આવશ્યક્તા હતી, પરંતુ ત્રણ જ મળી શક્યા. જો કે કોર્ટના હસ્તક્ષેપ બાદ તેમને મંગળવારે સાંજે બાકીના ઈન્જેક્શન મળી શક્યા.

અગાઉ દિલ્હી હાઈકોર્ટે ઑક્સિજનની કમીને લઈને દિલ્હી સરકારનો ઉધડો લીધો હતો. કોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે, એવું લાગે છે કે, કોરોના સામે તમારી સંપૂર્ણ સિસ્ટમ ફેઈલ થઈ ચૂકી છે.

(12:00 am IST)