Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

પગે પડી રેમડેસિવિર માગનાર મહિલાને અધિકારીની ધમકી

યુપીમાં અછતની સ્થિતિ ન હોવાનો દાવો પોકળ : નોઇડામાં ચીફ મેડિકલ ઓફિસરની ઓફિસમાં વેક્સિન લેવા પહોંચેલી મહિલાઓ સાથે અધિકારીનું ઉધ્ધત વર્તન

નવી દિલ્હી, તા. ૨૮ : યુપી સરકાર ભલે દાવો કરી રહી હોય કે રાજ્યમાં રેમડેસિવિર જેવી દવાઓની કોઈ અછત નથી પણ વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે અને લોકો રેમડેસિવિર માટે ભટકી રહ્યા છે.

મંગળવારે નોએડા સ્થિત ચીફ મેડિકલ ઓફિસરની ઓફિસમા ત્રણ મહિલાઓ હોસ્પિટલમાં ભરતી પોતાના સ્વજનો માટે રેમડેસિવિર મેળવવા માટે પહોંચી હતી.આ મહિલાઓએ ચીફ મેડિકલ ઓફિસર ડો.દીપક ઓહરીના પગે પડીને રેમડેસિવિરની ભીખ માંગી રહી હતી ત્યારે આ અધિકારીએ તેમની વેદના સમજવાને બદલે સાવ નફફટાઈપૂર્વકનુ વર્તન કર્યુ હતુ.

ડો.ઓહરી તેમને કોઈ આશ્વાસન આપ્યા વગર આગળ વધી ગયા હતા.દરમિયાન કોઈએ આ ઘટનાનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે.વિડિયોમાં જોઈ શકાય છે કે, મહિલાઓ રેમડેસિવિર માટે તેમના પગ પકડી રહી છે.

દરમિયાન આ પૈકની એક મહિલાએ કહ્યુ હતુ કે, અમે ઈન્જેક્શન માટે આવ્યા હતા અને તેમણે કહ્યુ હતુ કે, જ્યારે મળશે ત્યારે તેમને આપીશું , મેં અધિકારીને કહ્યુ હતુ કે અમે ફરી આવીશું તો મને કહેવામાં આવ્યુ હતુ કે, જો તુ ફરી અહીંયા આવી તો તને જેલ મોકલી દઈશું.

દરમિયાન આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સ અધિકારીની બરાબર ઝાટકણી કાઢી રહ્યા છે.

(12:00 am IST)