Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

પાકમાં એક દિવસમાં ૨૦૦થી વધુનાં મોતથી સરકાર ચિંતિત

મદદની ઓફર કરનાર પાડોશી દેશની સ્થિતિ કફોડી : આ પહેલા ૨૩ એપ્રિલે પાકિસ્તાનમાં સૌથી વધુ ૧૫૭ લોકોના મોત એક દિવસમાં સંક્રમણના કારણે થાય હતા

ઈસ્લામાબાદ, તા. ૨૮ : ભારતને મદદની ઓફર કરનારા પાકિસ્તાનમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બુધવારે પાકિસ્તાનમાં કોરોનાથી ૨૦૦થી વધુ દર્દીઓના મોત થયા, જે કોરોના મહામારી શરૂ થયા બાદ એક દિવસમાં સૌથી વધુ સંખ્યા છે. તે પછી ઈમરાન ખાન સરકારની ચિંતા વધી ગઈ છે. થોડા દિવસ પહેલા જ પાકિસ્તાન સરકારે ભારતને કોરોના સામે લડવા માટે વેન્ટિલેટર અને એક્સરે મશીન સહિત ઘણા મેડિકલ ઈક્વિપમેન્ટ આપવાની ઓફર કરી હતી.

પાકિસ્તાનના રાષ્ટ્રીય આરોગ્ય સેવા મંત્રાલય મુજબ, ગત ૨૪ કલાકમાં ૨૦૧ લોકોના મોત કોવિડ-૧૯ના કારણ થયા, તે સાથે અત્યાર સુધીમાં ૧૭,૫૩૦ લોકોન મોત થઈ ચૂક્યા છે. મંત્રાલયે જણાવ્યું કે, ૫,૨૧૪ દર્દીઓની સ્થિતિ ગંભીર છે. પાકિસ્તાનમાં ગત ૨૪ કલાકમાં ૫,૨૯૨ નવા કેસ નોંધાયા છે, તે સાથે કુલ કેસોની સંખ્યા ૮,૧૦,૨૩૧ થઈ ગઈ છે.

આંકડા મુજબ, આ પહેલા ૨૩ એપ્રિલે પાકિસ્તાનમાં સૌથી વધુ ૧૫૭ લોકોના મોત એક દિવસમાં સંક્રમણના કારણે થાય હતા, જ્યારે કે, ગત વર્ષે ૨૦ જૂને ૧૫૩ લોકોએ મહામારીમાં જીવ ગુમાવ્યો હતો. જોકે, નવો રેકોર્ડ એક સપ્તાહમાં બન્યો છે, જે મહામારી કેટલીક ઘાતક છે તે દર્શાવે છે. પાકિસ્તાનમાં હાલમાં ૮૮,૨૦૭ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે કે, ૭,૦૪,૪૯૪ દર્દી સંક્રમણ મુક્ત થઈ ગયા છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દેશમાં વધતા કોરોનાના કેસો વચ્ચે પાકિસ્તાનની સેનાને કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવામાં પોલીસની મદદ કરવાની અપીલ કરી છે. તેમણે સેનાને કહ્યું કે, સ્થાનિક વહિવટીતંત્રને જ્યાં-જ્યાં જરૂર હોય, ત્યાં સેનાના જવાનો તૈનાત કરવામાં આવે. તેમણે ચેતવણી આપી છે કે, જો સમયસર આપણે નિયંત્રણ નહીં મેળવીએ તો પાકિસ્તાનમાં પણ ભારતની જેમ કોરોનાના કેસ વધી શકે છે. ઈમરાન ખાને પાકિસ્તાનની જનતાને કહ્યું કે, 'હું તમને એસઓપીનું પાલન કરવાની અપીલ કરી રહ્યો છું, જેથી આપણે એવા પગલાં ઉઠાવવાની જરૂર ન પડે, જે ભારત લઈ રહ્યું છે, જેનો અર્થ છે કે, લોકડાઉન લાગુ કરવું. જો તમે ફેસ માસ્ક પહેરશો તો તેનાથી જ અડધી સમસ્યા હલ થઈ જશે.' તેમણે ચેતવણી આપી કે, આપણી પરિસ્થિતિ ભારત જેવી થઈ જશે તો આપણે શહેરોને બંધ કરવા પડશે.

(12:00 am IST)