Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

મોદી ફેક્ટર, રાષ્ટ્રવાદ લીધે જોરદાર જીત થશે : રામવિલાસ પાસવાન

દરેક જગ્યાએ એનડીએને અભૂતપૂર્વ ટેકો : એનડીએ બિહારમાં ૪૦ પૈકી ૩૫ સીટ જીતશે : રામવિલાસ પાસવાન

પટણા, તા. ૨૮ : ભાજપના સાથી અને કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાને આજે કહ્યું હતું કે, શાસન એનડીએ ફરીવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, મોદી ફેક્ટરની મદદથી કેન્દ્રમાં ફરી જીત થવા જઈ રહી છે. રાષ્ટ્રવાદનો મુદ્દો તમામ લોકોને અસર કરી રહ્યો છે. જ્યારે વિરોધ પક્ષો બિહાર જેવા રાજ્યોમાં નિષ્ક્રિય બન્યા છે. લોકજનશક્તિ પાર્ટીના નેતાએ કહ્યું હતું કે, ૨૦૧૯ની ચૂંટણી અન્ય ચૂંટણીઓ કરતા બિલકુલ અલગ પ્રકારની ચૂંટણી છે. છેલ્લા પાંચ દશકની ચૂંટણીમાં આવી સ્થિતિ ક્યારે પણ જોઈ નથી. એકમાત્ર રાષ્ટ્રવાદનો મુદ્દો કેન્દ્રમાં રહેલો છે. લોકો એનડીએને ટેકો આપી રહ્યા છે. વિકાસ અને રાષ્ટ્રવાદનો મુદ્દો છવાયેલો છે. દલિત નેતાએ કહ્યું હતું કે, એનડીએની તરફેણમાં લહેર ચૂંટણીના દરેક તબક્કામાં જોવા મળી રહી છે. આ લહેર હવે સુનામીમાં ફેરવાઇ ચુકી છે. સાત તબક્કાની લોકસભાની ચૂંટણી પૈકી ત્રણ તબક્કામાં ચૂંટણી થઇ ચુકી છે. હિન્દી પટ્ટાના રાજ્યોમાં બાકીના તબક્કા હવે રહેશે. પાસવાને દાવો કર્યો હતો કે, બિહારમાં હજુ સુધી કોઇ સ્પર્ધા રહી નથી. તેમના દાવા મુજબ કોંગ્રેસ અને આરજેડી જેવા પક્ષો કોઇપણરીતે મેદાનમાં દેખાઈ રહ્યા નથી. અમારા મત દરેક તબક્કામાં વધી રહ્યા છે. વારાણસી અને ઝારખંડમાં વડાપ્રધાનના પ્રચંડ રોડ શોમાં મોદી ફેક્ટરની અસર જોવા મળી ચુકી છે. વધુને વધુ લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. બીજી બાજુ વિરોધ પક્ષો દિલ્હી અથવા તો બિહાર સહિત કોઇ જગ્યાએ સંગઠિત દેખાઈ રહ્યા નથી. તેમના માટે મત આપવાને લઇને લોકોને કોઇ અર્થ રહેશે નહીં તેમ સમજાઈ રહ્યું છે. આ પ્રકારના પક્ષો વધુને વધુ સીટો મેળવવાની સ્થિતિમાં નથી જેથી તેમના માટે મતદાન કરવા લોકો ખચકાટ અનુભવ કરી રહ્યા છે.

નીતિશે દાવો કર્યો હતો કે, બિહારમાં કુલ ૪૦ સીટો પૈકી એનડીએ ૩૫ સીટો જીતી જશે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ બીજા પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કરવાનું ટાળી રહ્યા છે. શુક્રવારના દિવસે જ તેમની સંયુક્ત રેલી સમસ્તીપુરમાં યોજાઈ હતી. એનડીએ ૨૦૧૪ની ચૂંટણી જીતનું પુનરાવર્તન કરશે અને મોદીની લીડરશીપમાં સરકાર રચાશે. છેલ્લી ચૂંટણીમાં એનડીએને ૩૩૬ સીટો મળી હતી. ભાજપને ૨૮૨ સીટો એકલા હાથે મળી હતી. આતંકવાદ અને રાષ્ટ્રવાદ ચૂંટણીમાં મુખ્ય મુદ્દા બની ચુક્યા છે.  વિકાસના મુદ્દા ઉપર પણ લોકોનો ટેકો મળ્યો છે.

(12:00 am IST)