Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

કોરોનાથી ૧૯૯ દેશમાં મોત આંક ૩૧૦૨૭ થઇ ગયો છે

કેસોની સંખ્યા ૬૬૮૩૫૧ સુધી પહોંચી ગઈ : દુનિયામાં રિકવર લોકોની સંખ્યા વધીને ૧૪૨૮૫૩ સુધી પહોંચી : ઇટાલી, સ્પેન, ફ્રાંસ, ચીનમાં કેસની સંખ્યા વધી

નવી દિલ્હી, તા. ૨૯ : કોરોના વાયરસના કારણે દુનિયાના દેશોમાં ભારે હાહાકાર મચેલો છે. કેસોની સંખ્યા વધીને ૬૬૮૩૫૧ સુધી પહોંચી ગઈ છે જ્યારે મોતનો આંકડો ૩૧૦૦૦થી પણ ઉપર પહોંચી ચુક્યો છે. કોરોના વાયરસથી અસરગ્રસ્ત દેશોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. હવે દુનિયાના ૧૯૯ દેશો તેના સકંજામાં આવી ચુક્યા છે. આવનાર દિવસોમાં કેસોની સંખ્યા હજુ વધે તેવી સ્પષ્ટ શક્યતા દેખાઈ રહી છે. કારણ કે, વિવિધ દેશોમાં અસરગ્રસ્તો અને ગંભીરરીતે અસરગ્રસ્ત લોકોની સંખ્યા સતત વધી રહી છે. કોરોના વાયરસના કેસો ૬૬૮૩૫૧ સુધી પહોંચ્યા છે. સૌથી પ્રભાવિત દેશોમાં હવે અમેરિકા સામેલ છે. એકલા અમેરિકામાં કેસોની સંખ્યા ૧૨૩૭૮૦ સુધી પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૫૦ લોકોના મોત થઇ ચુક્યા છે. બીજી બાજુ ડબલ્યુએચઓ તરફથી જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ હવાથી ફેલાઈ રહ્યો નથી આને લઇને સ્પષ્ટતા કરવામાં આવી છે.  કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. હજુ સુધી ૬.૫૦ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થઇ ચુક્યા છે. દુનિયાભરની સરકારો બચાવના પ્રયાસોમાં લાગેલી છે. જાગૃકતા ફેલાવવામાં આવી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ માત્ર અસરગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી જ ફેલાઈ જાય છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે તે હવાથી ફેલાતો નથી. વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવું છે કે, કોરોના વાયરસનો ફેલાવો રોકવાના કારણે, ઝીંક આવવાના કારણે ફેલાવવાનો ભય રહેલો છે. આને લઇને સાવચેત રહેવાની જરૂર છે. ડબલ્યુએચઓના કહેવા મુજબ જો કોઇ અસરગ્રસ્ત વ્યક્તિ એક મીટરની હદમાં હોય છે તો કોરોના વાયરસ શ્વાસ મારફતે તેના શરીરમાં પહોંચી શકે છે. જો કોઇ સપાટી ઉપર કોઇ અસરગ્રસ્ત વ્યક્તિના થૂંક હોય તો પણ તેના લીદે પણ તેની અસર થઇ શકે છે. આવી સ્થિતિમાં સતત હાથ ધોતા રહેવાની જરૂર દેખાઈ રહી છે. કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે સૌથી વધુ હાલત ખરાબ હાલમાં અમેરિકા ઉપરાંત ઇટાલી, ચીન, સ્પેન, જર્મની અને ફ્રાંસની રહેલી છે.

જર્મનીમાં એક જ દિવસમાં ૫૫૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે એક જ દિવસમાં ૨૨ લોકોના મોત થઇ ચુક્યા છે. અમેરિકામાં ૪૫૦ લોકોના મોત એક જ દિવસમાં નોંધાયા છે. અમેરિકામાં મોતનો આંકડો વધીને ૨૨૨૯ સુધી પહોંચી ગયો છે જ્યારે ઇટાલીમાં કેસોની સંખ્યા ૯૨૪૭૨ સુધી પહોંચી છે. કુલ મોતનો આંકડો ૧૦૦૨૩ સુધી પહોંચ્યો છે. સ્પેનમાં પણ આવી જ હાલત છે. ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૫ નવા કેસ આવ્યા છે અને પાંચના મોત થયા છે. ચીનમાં સ્થિતિમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે. વિશ્વમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૧૦મી જાન્યુઆરીના દિવસે નોંધાયો હતો જ્યારે અમેરિકામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૨૦મી જાન્યુઆરીએ નોંધાયા બાદ આજે કેસની સંખ્યા લાખો ઉપર પહોંચી છે જે દર્શાવે છે કે, કેટલીક ખતરનાકરીતે આ રોગે તેનો ગ્રાફ ઉંચો લઇને વિશ્વના દેશોમાં ખળભળાટ મચાવ્યો છે.

કોરોનાનો કાળો કેર.......

વિશ્વમાં મોતનો આંકડો ૩૧ હજાર

નવી દિલ્હી, તા. ૨૯ : કોરોના વાયરસના કારણે દુનિયામાં મોત અને કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્ય છે. દુનિયાભરના ૧૯૯ દેશો કોરોનાના સકંજામાં છે. સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કેર નીચે મુજબ છે.

વિશ્વના કુલ દેશો પ્રભાવિત.............................. ૧૯૯

વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા............ ૬૬૮૩૫૧

વિશ્વના કુલ દેશોમાં મોત............................ ૩૧૦૨૭

વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા...... ૧૪૨૮૫૩

ગંભીરરીતે અસરગ્રસ્ત લોકોની સંખ્યા.......... ૧૨૦૬૨

માઇલ્ડ કેસોની સંખ્યા.............................. ૪૬૯૦૯૨

બંધ કરાયેલા કેસોની સંખ્યા      ૧૧૮૯૮૭

(7:46 pm IST)