Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

લોકડાઉનના પાંચમાં દિવસે લોકોને તમામ સુવિધા મળી

દેશના જુદા જુદા ભાગોમાં સંસ્થાઓ સક્રિય : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દેશના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીની જેમ જ સક્રિય રહ્યા : અધિકારીઓને આદેશો

લખનૌ, તા. ૨૯ : કોરોનાના પરિણામ સ્વરુપે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે દરેક રાજ્ય પોતપોતાની રીતે કોરોના અને લોકડાઉનની તૈયારી કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સતત અધિકારીઓ સાથે બેઠક કરીને કોરોનાનો સામનો કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. દરરોજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બેઠક યોજી રહ્યા છે. આજે પણ યોગીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ કેટલાક સૂચનો પણ જારી કર્યા હતા. યોગીએ ગરીબ, મજુરો અને જરૂરિયાતવાળા લોકો સુધી તમામ સુવિધા પહોંચાડી રહ્યા છે. આ લોકો પાસેથી ભાડા નહીં લેવા માટે પણ કહેવામાં આવ્યું છે.  જિલ્લાના અધિકારીઓ સાથે ચીજવસ્તુઓની કિંમતો નિર્ધારિત કરવામાં આવી રહી છે. દરેક ગરીબ અને મજુર વ્યક્તિને ૧૦૦૦ રૂપિયા આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. ઉદ્યોગ અને સંસ્થા જે લોકડાઉનના પરિણામ સ્વરુપે બંધ છે. તે સંસ્થાઓને તેમના કર્મચારીઓને વેતન આપવાની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. વેતન અપાવવાની જવાબદારી અધિકારીઓની રહેશે. અધિકારીઓને અન્ય કેટલીક સૂચનાઓ પણ અપાઈ છે.

         સમગ્ર પ્રદેશમાં અલ્પવેતન ભોગી, શ્રમિકો, ગરીબોના મકાન માલિકો ગરીબો પાસેથી ભાડા નહીં લેવા માટે કહેવામાં આવ્યું છે.  કોઇના પણ વિજળી, પાણીના કનેક્શન નહીં કાપવા માટે કહેવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશમાં જે લોકો આવી ગયા છે અથવા તો પહેલાથી જ રહે છે તેમની જવાબદાર સરકારની છે. આવી સ્થિતિમાં લોકોને ભોજન, શુદ્ધ પાણી, દવા અન્ય સુવિધાની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. દરરોજની જરૂરિયાતની ચીજોની ચિંતા કરવાની જવાબદારી પણ અધિકારીઓને અપાઈ છે. લોકડાઉનના પાંચમાં દિવસે દેશભરમાં લોકોને જરૂરી સુવિધાઓ પહોંચે તેવા તમામ પ્રયાસો જારી રાખવામાં આવ્યા હતા. લોકડાઉનના નિયમોને કઠોરરીતે અમલી કરવામાં આવી રહ્યા છે. લોકડાઉન હેઠળ કોરોનાના કેસો ઘટે તેવા હેતુ સાથે પ્રયાસો ચાલીરહ્યા છે. ટોચની હસ્તીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાન્ય લોકો પણ ગરીબ અને મધ્યમવર્ગના લોકોની મદદ માટે આગળ આવ્યા છે. રસ્તા પર રહેતા ગરીબ લોકોની મદદ કરવામાં આવી રહી છે.

(7:43 pm IST)