Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

કેન્દ્ર ખફા : રાજ્યો-જિલ્લાઓની સરહદો સીલ કરવા માટેનો હુકમ

શહેરોમાંથી લોકોની મોટાપાયે હિઝરત વચ્ચે કેન્દ્રનો સ્પષ્ટ આદેશ : લોકડાઉનના નિયમ લાગૂ કરવા અને તેને અમલી બનાવવા માટેની જવાબદારી ડીએમ તેમજ એસપીની છે : કર્મીઓ માટે વ્યવસ્થા કરવા સંબંધિતોને આદેશ

નવીદિલ્હી, તા. ૨૯ : લોકડાઉન બાદ મોટાપાયે જારી રહેલી પલાયનની સ્થિતિને લઇને કેન્દ્ર સરકારે આજે કઠોર વલણ અપનાવ્યું હતું. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, લોકડાઉનના નિયમો કઠોરરીતે પાળવામાં આવે તે જરૂરી છે. લોકડાઉન બાદ હવે પલાયનને લઇને કઠોર બનેલી કેન્દ્ર સરકારે સરહદો સીલ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. રાજ્ય અને જિલ્લાઓની સરહદો સીલ કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. મોટાપાયે લોકોની હિઝરતને રોકવા રાજ્ય અને જિલ્લાની સરહદો સીલ કરવા કહેવામાં આવ્યું છે. ચીફ સેક્રેટરી અને ડીજીપી સાથે વિડિયો કોન્ફરન્સિંગ દરમિયાન કેબિનેટ સેક્રેટરી રાજીવ ગોબાએ આજે માહિતી આપતા કહ્યું હતું કે, લોકડાઉનની સ્થિતિને પાળવાની જરૂર દેખાઈ રહી છે. હજુ પણ અનેક નિયંત્રણોને લાગૂ કરવામાં આવી રહ્યા નથી. કોરોના વાયરસના પરિણામ સ્વરુપે ૧૪મી એપ્રિલ સુધી લોકડાઉનની સ્થિતિ રહેલી છે છતાં લોકો જાહેર રસ્તા પર નજરે પડી રહ્યા છે. મજુરો પલાયન કરી રહ્યા છે. ચાલતા જ લોકો કિલોમીટર સુધી નિકળી ગયા છે. સરહદો ઉપર ભીડ જામી રહી છે. શનિવારના દિવસે દિલ્હી સરહદોની સ્થિતિ જોયા બાદ કેન્દ્ર સરકાર જોરદાર નારાજ દેખાઈ રહી છે. કેન્દ્ર સરકારે સાફ શબ્દોમાં કહ્યું છે કે, કામ કરનાર મજુરોની રહેવાની વ્યવસ્થા કરવાની જરૂર દેખાઈ રહી છે. સાથે સાથે સમયસર ચુકવણી કરવાની સૂચના આપવામાં આવી છે. સરકારે કહ્યું છે કે, આદેશ ન માનનાર સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, શહેરોથી લોકોને હાઈવે પર આવતા રોકવામાં આવે તે જરૂરી છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે કેન્દ્ર સરકારે લોકડાઉનનો નિર્ણય કર્યો છે પરંતુ શહેરોથી લોકો મોટાપાયે પલાયન કરી રહ્યા છે જેથી લોકડાઉનની સ્થિતિ નિષ્ફળ સાબિત થઇ શકે છે. શનિવારના દિવસે દિલ્હીના સરહદી વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી હતી. ઘણા લોકો તો ચાલતા સેંકડો કિલોમીટર સુધી પહોંચી ગયા હતા.

         આને લઇને જોરદાર રાજકીય ગરમી જામી છે. બિહાર સરકારે પહેલાથી જ કહ્યું છે કે, બહારથી આવનાર લોકોને સરહદ પર રોકી દેવામાં આવશે. ત્યાં તમામ વ્યવસ્થા તેમના માટે કરવામાં આવશે. રાજીવ ગોબા અને કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ સ્પષ્ટ સૂચનાઓ આજે અધિકારીઓને આપી હતી. લોકડાઉનનો ગાળો જારી છે જેથી હાઈવે ઉપર અથવા તો શહેરોમાં લોકોની અવરજવર જોવા મળવી જોઇએ નહીં. આ પ્રકારની સ્થિતિ લોકડાઉનને નિષ્ફળ કરવા તરફ દોરી જાય તેવી દહેશત રહેલી છે. કોરોના વાયરસના વધતા જતાં ફેલાવાને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર તરફથી એક પછી એક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. હવે રાજ્યો અને જિલ્લાઓની સરહદો સીલ કરવા કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે. લોકડાઉનના નિયમો પાળવાની જવાબદારી ડીએમ અને એસપીની છે. આની સાથે સાથે કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે, રોજગાર આપનાર કંપની પોતાના કર્મચારીઓ માટે પુરતી વ્યવસ્થા કરે અને તેમને પુરતા પગારની ચુકવણી પણ કરે. છેલ્લા કેટલાક દિવસથી અંધાધૂંધીની સ્થિતિ સર્જાઈ છે ત્યારે આજે આ મુજબની સુચના આપવામાં આવી છે. તેમના કામ છોડીને મોટાભાગના લોકો હવે વતન જવા માટે પ્રયાસ થયા છે.

(7:36 pm IST)