Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

લોકડાઉનને તોડી પાડવા માટે દિલ્હીની સરકારે કાવતરૃં ઘડ્યું

કેજરીવાલ સરકાર પર બિહારના દોષારોપણ : મોટાપાયે હિઝરત જારી રહેતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે સવાલો

નવીદિલ્હી, તા. ૨૯ : લોકડાઉન બાદ પણ ઉભી થયેલી સ્થિતિને લઇને રાજનીતિ  અને શાબ્દિક યુદ્ધની સ્થિતિ સર્જાઈ ગઈ છે. બિહાર સરકારના મંત્રી જયકુમાર સિંહે દિલ્હીથી પૂર્વાંચલ વાસીઓના પલાયનને લઇને તેની સરકાર પર આક્ષેપો કર્યા છે. બીજી બાજુ બિહારના જળસંશાધન મંત્રી સંજય ઝાએ પલાયન માટે લોકડાઉનને નિષ્ફળ કરવાના કાવતરા તરીકે ગણાવીને તેની ટિકા કરી છે. તેમણે કહ્યું છે કે, બિહાર અને ઉત્તરપ્રદેશ એટલે કે પૂર્વાંચલ વાસીઓનો ઉપયોગ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા માત્ર મત માટે કરવામાં આવ્યો હતો. સંકટના સમયમાં દિલ્હી સરકાર લોકોને સાથ આપી રહી નથી. બીજી બાજુ ભાજપના સાંસદ ગૌત્તમ ગંભીરે કહ્યું છે કે, જો દિલ્હી બચશે નહીં તો જુઠ્ઠાણાને કઇરીતે ચલાવાશે. જળસંશાધન મંત્રી સંજય ઝાએ આને દિલ્હી સરકારના કાવતરા તરીકે ગણાવીને કહ્યું છે કે, લોકડાઉનને નિષ્ફળ બનાવવા માટે કેજરીવાલ સરકાર આ પ્રકારની નીતિ અપનાવી રહી છે. કેજરીવાલ સરકાર લોકોને વધુ ભયમાં મુકી રહી છે. બિહાર સરકારે કોરોના વાયરસ સામે લડવા ૧૦૦ કરોડ રૂપિયા જારી કર્યા છે. કેટલાક  લોકોએ તેમને ફોન કરીને કહ્યું છે કે, દિલ્હીમાં તેમના ઘરના વિજળી અને પાણીના કનેક્શન કાપી દેવામાં આવ્યા છે અને તેમને કહેવામાં આવ્યું છે કે, લોકડાઉનનો ગાળો ત્રણ મહિના સુધી રહેશે. બિહાર સરકારના મંત્રી સંજય ઝાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, સમગ્ર પ્લાન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા લોકડાઉનને નિષ્ફળ બનાવવા કેજરીવાલ કાવતરુ ઘડી ચુક્યા છે અને આ કાવતરા હેઠળ જ લોકોની હિઝરત જારી રાખવામાં આવી છે. લોકડાઉનને તોડી પાડવા માટે કોનો હાથ છે તેને લઇને પ્રશ્ન કરવામાં આવતા બિહાર સરકારના મંત્રીઓ કહી રહ્યા છે કે, કેજરીવાલ સરકાર આના માટે દોષિત છે.

(7:37 pm IST)