Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

અમેરિકામાં સ્થિતિ બેકાબૂ છતાંય લોકડાઉન નહીં : વધુ ૪૫૦ મૃત્યુ

એકલા ન્યુયોર્કમાં ૫૦૦૦૦થી વધુ કેસો સપાટી ઉપર આવી ગયા : બ્રિટનમાં સ્થિતિ વધુ બગડી શકે છે તેવી વડાપ્રધાન બોરિસ જોન્સનની ચેતવણી ઇટાલીમાં કેસોની સંખ્યા ૯૨૪૭૨ તેમજ અમેરિકામાં કેસ સંખ્યા ૧૨૩૭૮૦

નવીદિલ્હી, તા. ૨૯  : કોરોના વાયરસના કારણે દુનિયાભરના દેશોમાં હાહાકાર મચેલો છે. સૌથી કફોડી હાલત હવે અમેરિકાની બની ચુકી છે. અમેરિકામાં એક જ દિવસમાં ૪૫૦ લોકોના મોત થતાં મોતની સંખ્યા વધીને ૨૨૨૯ સુધી પહોંચી છે જ્યારે નવા કેસોની સાથે જ કેસોની સંખ્યા વધીને ૧૨૩૭૮૦ સુધી પહોંચી છે. બીજી બાજુ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ચેતવણી આપતા કહ્યું છે કે, કોરોના વાયરસતી બ્રિટનમાં પણ સ્થિતિ વણસી શકે છે. બ્રિટનમાં કોરોના વાયરસના કેસોની વાત કરવામાં આવે તો હજુ સુધી અન્ય દેશોની સરખામણીમાં પાછળ છે પરંતુ તેમાં પણ ૧૭૦૮૯ જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે. બ્રિટનના વડાપ્રધાન પોતે કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે.

         તેમનું કહેવું છે કે, સ્થિતિ હજુ વધુ બગડી શકે છે. દેશમાં સ્થિતિ પહેલા કરતા સારી બને અને સ્થિતિ બેકાબૂ ન બને તે માટે પગલા લેવાની જરૂર દેખાઈ રહી છે. કોરોના વાયરસથી પોઝિટિવ આવ્યા બાદ જોન્સન હાલ સેલ્ફ આઈસોલેશનમાં છે. તેમનું કહેવું છે કે, જો જરૂર પડશે તો વધુ કઠોર નિયંત્રણો લાગૂ કરાશે. બ્રિટનના લોકોને ઘરથી નિકળવા અને આરોગ્ય સંબંધિત માહિતી માટે સરકારી નિયમો પાળવા પડશે. દેશમાં કોરોનાના લીધે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. કન્ફર્મ કેસોની સંખ્યા પણ ૧૭૦૦૦થી ઉપર પહોંચી ચુકી છે. જોન્સનનું કહેવું છે કે, જો વૈજ્ઞાનિકો અને તબીબો સલાહ આપશે તો વધુ કઠોર નિયંત્રણો લાગૂ કરાશે. બીજી બાજુ વોશિંગ્ટનથી પ્રાપ્ત અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા બાદ પણ મૃતકોની સંખ્યા ઘટી રહી નથી.

કોરોનાથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા હાલમાં અમેરિકામાં સૌથી વધારે દેખાઈ રહી છે. જોન્સ હોકિંગ્સ યુનિવર્સિટીના ટ્રેકર દ્વારા કહ્યું છે કે, અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૫૦ના મોત થયા છે. માત્ર ત્રણ દિવસના ગાળામાં જ કેસોની સંખ્યા બે ગણીથી વધારે થઇ છે. મૃત્યુ પામેલાઓમાં નવજાત શિશુ પણ સામેલ છે. કોરોના વાયરસના પરિણામ સ્વરુપે ઇટાલી, સ્પેન, ચીન અને ફ્રાંસના મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થયા છે અને મોતનો આંકડો પણ ખુબ વધારે છે. અમેરિકામાં આ પ્રકોપથી સૌથી વધારે પ્રભાવિત ન્યુયોર્ક છે જ્યાં ૫૦૦૦૦થી વધારે કેસ નોંધાઈ ચુક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે જ કહ્યું હતું કે, તેઓ ન્યુયોર્કમાં અવરજવર પર પ્રતિબંધ લાગૂ કરવા વિચારી રહ્યા છે પરંતુ મોડી રાત સુધી કોઇ નિર્ણય લેવાયો ન હતો અને કહ્યું હતું કે, લોકડાઉન કરવાની કોઇ જરૂર દેખાઈ રહી નથી. ઇટાલીમાં કેસોની સંખ્યા વધીને ૯૨૪૭૨ સુધી પહોંચી ગઇ છે.

ઇટાલીમાં સ્થિતિ બેકાબૂ

મોતનો આંકડો ૧૦૦૦૦થી ઉપર

નવી દિલ્હી,તા.  ૨૯  : ઇટાલીમાં કોરોના વાયરસની સ્થિતિ વધુને વધુ ખરાબ થઇ રહી છે. ઇટાલીમાં આતંક નીચે મુજબ છે.

મોતનો કુલ આંકડો થયો.......................... ૧૦૦૨૩

કુલ કેસોની સંખ્યા થઇ............................. ૯૨૪૭૨

કુલ રિકવર લોકો..................................... ૧૨૩૩૮

એક્ટિવ કેસોની સંખ્યા.............................. ૭૦૦૬૫

ગંભીર અસરગ્રસ્ત....................................... ૩૮૫૬

પ્રથમ કેસ નોંધાયો .................... ૨૯મી જાન્યુઆરી

અમેરિકા : કોરોના ચિત્ર

નવી દિલ્હી,તા.  ૨૮ :  અમેરિકામાં કોરોનાના કેસો દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ નોંધાયા છે. આ ઉપરાંત ગંભીર રહેલા દર્દીઓની સંખ્યામાં પણ ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. આ સ્થિતિને જોતા અમેરિકામાં મોતનો આંકડો હજુ પણ ખુબ ઉપર પહોંચી શકે છે. ૨૦મી જાન્યુઆરીના દિવસે અમેરિકામાં કોરોનાનો પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. અમેરિકામાં કોરોના નીચે મુજબ છે.

મોતનો કુલ આંકડો થયો............................. ૨૨૨૯

કુલ કેસોની સંખ્યા થઇ........................... ૧૨૩૭૮૦

નવા કેસો નોંઘાયા......................................... ૨૦૨

૨૪ કલાકમાં મોત........................................... ૦૮

 ગંભીર અસરગ્રસ્ત..................................... ૨૬૬૬

રિકવર લોકો.............................................. ૩૨૩૮

એક્ટિવ કેસોની સંખ્યા............................ ૧૧૮૩૧૩

 

ચીનમાં કોરોના ચિત્ર....

ચીનમાં વધુ પાંચના મોત થયા

નવી દિલ્હી,તા.  ૨૯ :    ચીનમાં કોરોના વાયરસ પર અંકુશ મુકવામાં ધીમે ધીમે સફળતા મળી રહી છે. ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ લોકોના મોત થયા છે. આની સાથે જ મોતની સંખ્યા ૩૩૦૦ ઉપર પહોંચી છે. ચીનમાં કેસોની સંખ્યા હજુ પણ ૮૧૦૦૦થી ઉપર રહેલી છે. ગંભીર દર્દીઓની સંખ્યા પણ ઉંચી છે. ચીનમાં કોરોનાનું સંપૂર્ણ ચિત્ર નીચે મુજબ છે.

ચીનમાં કુલ મોતનો આંકડો......................... ૩૩૦૦

ચીનમાં કુલ કેસોની સંખ્યા........................ ૮૧૪૩૯

ચીનમાં નવા કેસો............................................ ૪૫

ચીનમાં ૨૪ કલાકમાં મોત............................... ૦૫

ચીનમાં ગંભીર અસરગ્રસ્ત............................. ૭૪૨

ચીનમાં રિકવર લોકો............................... ૭૫૪૪૮

એક્ટિવ કેસોની સંખ્યા................................. ૨૬૯૧

(7:44 pm IST)