Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

કોરોનાનો વૈશ્વિક મૃત્યુઆંક ૨૭૩૫૯: ઈટાલી, સ્પેન, ફ્રાન્સમાં મરણાંક ૧૬૦૦૦થી વધુઃ અમેરિકા ભારતને આપશે ૨૧ કરોડ

અમેરિકાએ ૬૪ દેશો માટે ૧૭૪ મીલીયન ડોલર આપવાનું એલાન કર્યુ

વોશિંગ્ટન/રોમ/બીજીંગ, તા. ૨૮ :. વિશ્વભરના ૧૯૫ દેશ કોરોનાના ભરડામાં છે. અત્યાર સુધીમાં ૨૭૩૪૩ લોકોના મોત થયા છે અને ૧,૩૩,૦૫૭ લોકો સ્વસ્થ થયા છે. અમેરિકાએ કોરોનાથી પ્રભાવિત ૬૪ દેશોને મહામારીથી નિપટવા માટે મદદ માટે ૧૭૪ મીલીયન ડોલર આપવાનું એલાન કર્યુ છે જે હેઠળ ભારતને ૨.૯ મીલીયન ડોલર એટલે કે લગભગ ૨૧ કરોડ રૂપિયાની રકમ મળશે. બીજી તરફ ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં ૧૬૨૬૭ લોકોએ જાન ગુમાવ્યા છે જે વિશ્વભરના મોતના ૬૦ ટકા છે.

અમેરિકામાં કોરોનાના ૧ લાખ ૪ હજાર દર્દીઓ છે. આ સંખ્યા ઈટાલી અને ચીનથી પણ વધી ગઈ છે. અહીં ૨૪ કલાકમાં ૪૦૨ લોકોના મોત થયા છે. જ્યારે ૧૮૬૯૧ નવા કેસ બહાર આવ્યા છે. અમેરિકામાં કુલ ૧૫૮૮ લોકોના મોત થયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ૨.૨ ટ્રીલીયન ડોલરના રાહત પેકેજ પર સહી કરી છે. જે અમેરિકી ઈતિહાસનું સૌથી મોટુ પેકેજ છે. જેનો ઉપયોગ અમેરિકી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે થશે. અમેરિકામાં હાલ બેકારીની મોટી સમસ્યા છે. ૩૩ લાખ લોકો બેકાર થઈ ગયા છે.

ઈટાલીમાં ૨૪ કલાકમાં ૯૧૯ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ૯૧૩૪ લોકોને કોરોના ભરખી ગયો છે. સ્પેનમાં ૨૪ કલાકમાં ૭૭૩ વ્યકિતના મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં ૫૧૩૮ લોકોના મોત થયા છે. ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં અત્યાર સુધીમાં ૧૬૨૬૭ લોકોના મોત થયા છે. સ્પેનમાં સરકારે મહામારીને નિપટવા સેના તૈનાત કરી છે. હોસ્પીટલોમાં દર્દીઓ સતત વધી રહ્યા છે.

ફ્રાન્સમાં એક જ દિવસમાં ૩૦૦ના મોત થયા છે. સરકારે લોકડાઉન ૧૫ દિવસ વધારી દીધેલ છે. હવે ૧૫ એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. ફ્રાન્સ યુરોપનો સૌથી વધુ પ્રભાવિત ત્રીજો દેશ છે. અહીં ૩૨૯૬૪ લોકો સંક્રમિત છે અને ૨૦૦૦ લોકોના મોત થયા છે.

(12:00 am IST)