Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

નવ રાજયો - કેન્દ્રશાસિત પ્રદેશોમાં હિંદુઓ છે લઘુમતિ : તેમને અધિકારો કેમ નથી મળતા? હાઇકોર્ટે જવાબ માંગ્યો

નવી દિલ્હી તા. ર૯: દિલ્હી હાઇકોર્ટે ગઇકાલે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે કે જયાં હિન્દુઓ લઘુમતિ છે ત્યાં તે લઘુમતિના અધિકારોથી વંચિત છે કે કેમ? ભાજપા નેતા અશ્વિની ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે ગૃહ, કાયદો અને ન્યાય અને લઘુમતિ બાબતોના મંત્રાલય પાસેથી આ બાબતે જવાબ માગ્યો છે.

અરજીમાં કહેવાયું છે કે નવ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હિન્દુઓ લઘુમતિ હોવા છતાં તેમને લઘુમતિ સમાજને અપાયેલા અધિકારોથી કેમ વંચિત રખાય છે. આ રાજયોની વધુમતિ વસ્તી લઘુમતિના બધા લાભ લે છે. ભાજપા નેતાએ અરજીમાં કહ્યું છે કે લદ્દાખ, મિઝોરમ, લક્ષદ્વીપ, કાશ્મીર, નાગાલેન્ડ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, પંજાબ અને મણીપુરમાં હિંદુ વસ્તીને પણ આ લાભ મળવા જોઇએ.

ચીફ જસ્ટીસ ડી એન. પટેલ અને જસ્ટીસ સી હરિશંકરની બેંચે અરજી પર પોતાનો પક્ષ રજૂ કરવાની સાથે સાથે કેન્દ્રને લઘુમતિ શબ્દને વ્યાખ્યાયીત કરવા અને રાજય સ્તરે તેમની ઓળખ માટે ગાઇડલાઇન તૈયાર કરવા માટે કહ્યું છે.

ભાજપા નેતાએ અરજીમાં આ માગણી માટે એક તર્ક પણ રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રીય કક્ષાએ હિંદુ ભલે બહુમતિમાં છે પણ નવ રાજયો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તે લઘુમતિ છે, એટલે તેમને લઘુમતિનો દરજજો મળવો જોઇએ. કોઇ રાજયમાં લઘુમતિ છે કે નહીં તે નકકી કરવા માટે તે સમુદાયની વસ્તીને ધ્યાનમાં રાખવી જોઇએ.

આના માટે કોર્ટ રાજયોને નિયમ બનાવવાનો આદેશ આપે તેમણે અરજીમાં કોર્ટને રાષ્ટ્રીય લઘુમતિ પંચ કાયદા ૧૯૯રની કલમ ર (સી) ને ગેરબંધારણીય જાહેર કરવા બાબતે વિચાર કરવા કહ્યું છે હવે આ કેસની આગામી સુનાવણી ૪ મે એ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા સુપ્રિમ કોર્ટે આ અરજી પર સુનાવણીની ના પાડીને બીજેપી નેતાને હાઇકોર્ટમાં જવા કહ્યું હતું.

(3:46 pm IST)