Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સાક્ષીઓની સલામતિ બાબતે ઉત્તરાખંડ કેબીનેટની હકારાત્મક પહેલ

સાક્ષીઓના કુટુંબીજનોને પણ સુરક્ષા આપવાની ભલામણઃ સાક્ષીઓને હોસ્ટાઇલ જાહેર થતા અટકાવવાનું આવકાર્ય પગલું

દેહરાદુન તા. ર૯: ઉત્તરાખંડ સરકારે સાક્ષીઓની સુરક્ષા, સાક્ષીના પરિવારજનોની વ્યાખ્યા અને કેવા પ્રકારના કેસમાં સાક્ષીઓને સુરક્ષા અપાશે તે અંગેના એક કાયદાને મંજૂર કર્યો છે.

સુત્રોએ કહ્યું હતું કે રાજયના પ્રધાન મંડળે ગઇકાલે ઉત્તરાખંડ સાક્ષી સંરક્ષણ અધિનિયમ ર૦ર૦ (ઉત્તરાખંડ વીટનેસ પ્રોટેકશન એકટ, ર૦ર૦) ને મંજૂરી આપી હતી. ગૃહ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આ અંગેના રાજય સરકારને અપાયેલ આદેશને અનુસરતા, સાક્ષીઓની સલામતિ વ્યવસ્થા અંગેનો આ કાયદો બનાવાયો છે. તેમણે કહ્યું કે આ સલામતિ વ્યવસ્થા આપવાનું કારણ સાક્ષીઓને હોસ્ટાઇલ જાહેર થતા રોકવાનું છે.

પ્રસ્તાવમાં સાક્ષીના કુટુંબની વ્યાખ્યા નકકી કરાઇ છે જેના અનુસાર, સાક્ષીના દાદા, દાદી, માતા પિતા, ભાઇઓ, બહેનો, પૌત્ર-પૌત્રી, પતિ/પત્નિ અને બાળકોને સુરક્ષા આપવામાં આવશે.

જેમાં ગુનેગાર સાબિત થવા પર મૃત્યુદંડ, ઉમર કેદ, સાત અથવા વધારે વર્ષની સજા હોય અને ભારતીય દંડ સંહિતાની કલમ પ૦૯, ૩પ૪, ૩પ૪-એ, ૩પ૪-બી, ૩પ૪સી અને ૩પ૪ ડી હેઠળ થયેલ કેસના સાક્ષીઓને પણ સુરક્ષા આપવામાં આવશે.

નવા કાયદા મુજબ, સાક્ષીને તેમની વિનંતી પર એક ગનમેન આપવામાં આવશે, જો સાક્ષીને વધારાની સુરક્ષાની જરૂરિયાત હોય તો તે યોગ્ય સત્તાધીશની મંજૂરી મેળવીને તે લઇ શકશે. એકવાર આ સુરક્ષા વ્યવસ્થા મળી જાય પછી સાક્ષી અને આરોપી સાસામે ભેગા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે તેવું આ પ્રસ્તાવમાં કહેવાયું છે.

પ્રસ્તાવમાં એમ પણ કહેવાયું છે કે સાક્ષીના ફોન કોલ અને મેઇલ્સને મોનિટર કરાશે તથા તેનો ફોન નંબર બદલી કઢાશે. સીકયુરીટી ગેટ, સીસીટીવી, એલાર્મ, ફેન્સીંગ વગેરે સુરક્ષા ઉપકરણો પણ સાક્ષીના ઘરે લગાવી શકાશે.

(3:45 pm IST)