Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

શેરબજારના ધોવાણથી ઈન્વેસ્ટરોને રોવાનો વારોઃ ડબ્બાવાળાઓને બખ્ખા

શેરબજારમાં ૨૦૦૮-૦૯માં લેહમેન બ્રધર્સના દેવાળા પગલે સબ પ્રાઈમ કટોકટી જોવા મળી હતી તેવી જ ઘટનાનું પુનરાવર્તન : રાજકોટમાં જ અંદાજે ૨૫૦૦૦ કરોડની શેરમૂડીનું ધોવાણઃ બજાર હજુ ઘટવાના એંધાણઃ ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડીંગમાં ૫૦ ટકા સેટલમેન્ટ માટે 'વગદારો' મેદાને

રાજકોટ, તા. ૨૯ :. ચીન સહિતના દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર સ્વરૂપ વિશ્વભરમાં મંદીનો માહોલ સર્જાવાની ભીતિને પગલે ગઈકાલે વિશ્વભરના શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો જેમાં મુંબઈ શેરબજાર પણ બાકાત રહી શકયુ નહોતું. સેન્સેકસ અને નિફટી પણ ઉંધા માથે પછડાયા હતા. જેના કારણે ઈન્વેસ્ટરોએ એક જ દિવસમાં ૫ લાખ કરોડથી વધુ રકમ ગુમાવી હતી. રાજકોટ શેરબજારનું એક મહત્વનું કેન્દ્ર ગણાય છે અને અહીં પણ રોકાણકારોની શેરમૂડીમાં અંદાજે રૂ. ૨૫૦૦૦ કરોડનું ધોવાણ થયુ હોવાનું માનવામાં આવે છે તો સામે રાજકોટમાં શેરી-ગલીએ ચાલતા ગેરકાયદે ડબ્બા ટ્રેડીંગ ચલાવનાર ડબ્બાવાળાઓને બખ્ખા થઈ ગયા હોવાનું ચર્ચાય છે. શેરબજારના વર્તુળોના જણાવ્યા પ્રમાણે ડબ્બા ટ્રેડીંગમાં હવે ૫૦ ટકાની પતાવટ માટે વગદારો મેદાનમાં ઉતર્યા છે.

શેરબજારના વર્તુળોના જણાવ્યા પ્રમાણે ૨૦૦૮-૦૯માં ૧૫૦ વર્ષ જૂની લેહમેન બ્રધર્સે દેવાળુ ફુંકતા સબપ્રાઈમ કટોકટી જોવા મળી હતી. જેની અસર વર્ષો સુધી જોવા મળી હતી. હવે કોરોનાના કારણે આ ઘટનાનું પુનરાવર્તન જોવા મળી રહ્યુ છે. વિદેશી રોકાણકારોએ પોતાની પોઝીશન સ્થિર કરવા માટે ભારતીય શેરબજારમાં શેર વેચવાનું શરૂ કર્યુ હતુ જેની અસર ૫ દિવસ જોવા મળી હતી અને ગઈકાલે શેરબજાર ધડામ થઈ ગયુ હતું. શેરબજારમાં હજુ વધુ ઘટાડો થાય તેવી શકયતા છે. ગઈકાલે શેરબજારને એવોે ઝાટકો લાગ્યો કે ઘણા ઈન્વેસ્ટરોએ શેરબજારની ઓફિસે જવાનું બંધ કરી દીધું અને ઘરે રહેવાનું પસંદ કર્યુ છે તો અનેક ઈન્વેસ્ટરો પોતાને કેટલો ધૂંબો લાગ્યો તેની ગણતરી કરવામાં લાગી ગયા છે. અનેક લોકોની પરસેવાની મૂડી પણ ધોવાઈ ગઈ હોવાનું જાણવા મળે છે. વોટસએપમાં જાત જાતની અફવાઓ પણ વહેતી થઈ છે. એવી પણ અફવા છે કે મંદી ૪ થી ૬ સપ્તાહ ચાલશે. એક અંદાજ મુજબ રાજકોટમાં જ રૂ. ૨૫૦૦૦ કરોડની શેરમુડીનું ધોવાણ થયુ છે. ૨૦૦૯ પછીની સૌથી ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે.

એક બાજુ ઈન્વેસ્ટરોને કડાકાથી ધોળે દિવસે તારા દેખાય ગયા છે તો બીજી તરફ ગલી ગલીએ ફુટી નિકળેલા ડબ્બા ટ્રેડીંગવાળાઓને આ કડાકાથી જલ્સો પડી ગયો છે. ઉપર લેણ કર્યુ ન હોય કે કપાત પણ કરી ન હોય માત્ર ચીઠી ઉપર ચાલતા આવા ગેરકાયદે ડબ્બાવાળાઓ આ મંદીથી કમાઈ ગયા છે. અનેક લોકો તેઓની સાથે નાણાકીય વ્યવહાર કરતા હોય છે. તેઓએ હવે ડબ્બા ટ્રેડીંગવાળાઓને નાણા ચૂકવવાના થાય છે. અનેક સરકારી કર્મચારીઓ, બેન્ક કર્મચારીઓ, કારખાનાવાળાઓ, ઉદ્યોગપતિઓ વગેરેએ નાણા ચૂકવવા માટે હાથ ઉંચા કરી દેતા ડબ્બાવાળાઓએ રાતોરાત ઉઘરાણી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. આ માટે અસામાજિક તત્વો અથવા રાજકીય વગ ધરાવતા લોકોની પણ મદદ લેવામા આવી રહી હોવાનું પણ જાણવા મળે છે. ૫૦ ટકા સેટલમેન્ટની વાતો પણ સંભળાઈ રહી છે.

નિષ્ણાંતો જણાવે છે કે ઈન્વેસ્ટરોએ ગભરાટ રાખવાની જરૂર નથી થોડા દિવસોમાં સ્થિતિ થાળે પડી જશે કારણ કે ઉનાળો બેસી જતા વાયરસ રહી શકતા નથી. માત્ર વિદેશી રોકાણકારો ગભરાટ ફેલાવીને શેરબજાર તોડી રહ્યા છે.

સોમવારથી શરૂ થતા એસબીઆઈ કાર્ડના આઈપીઓનું ગ્રે માર્કેટમાં પ્રિમીયમ પણ ૪૭૦૦ રૂ.થી ઘટીને ૩૩૦૦ રૂ. થઈ ગયું

રાજકોટઃ ઈન્વેસ્ટરો જેની લાંબા સમયથી રાહ જોતા હતા તે એસબીઆઈ કાર્ડનો આઈપીઓ સોમવારથી ખુલી રહ્યો છેઃ આ આઈપીઓમાં રોકાણકારો મોટાપાયે રોકાણ કરવાના હતા પરંતુ શુક્રવારે શેરબજારમાં ભૂકંપ સર્જાતા ઈન્વેસ્ટરો પણ હલબલી ઉઠયાઃ ગ્રે માર્કેટમાં આ આઈપીઓનું પ્રિમીયમ રૂ. ૪૭૦૦ બોલતુ હતુ તે આજે ઘટીને રૂ. ૩૩૦૦ થઈ ગયુ હોવાનું જાણવા મળે છેઃ આ ઈસ્યુમાં મોટાપાયે રોકાણ કરવાની ઈચ્છા રાખનાર રોકાણકારો પણ હવે ફેર વિચારણાની તૈયારીમાં

એક સપ્તાહમાં સોના-ચાંદીમાં ભારે ઉથલપાથલ થતા અનેક લોકોએ મોટી રકમ ગુમાવી હોવાની પણ ચર્ચા

રાજકોટઃ શેરબજારની જેમ ગોલ્ડ માર્કેટમાં પણ મોટાપાયે 'બીનહિસાબી' વેપાર થતો હોય છે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં ભારેખમ વધઘટ થતા સોની બજારમાં અનેક લોકોએ મોટી રકમ ગુમાવી હોવાની પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છેઃ ભારતમાં રાજકોટનું સોનુ બજાર એક મહત્વનું ટ્રેડીંગ સેન્ટર ગણવામાં આવે છે અને અહીં રોજ કરોડો રૂપિયાનો બીઝનેશ થતો હોય છે

(3:43 pm IST)