Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

દિલ્હી તોફાનોને લઈને મોદી-શાહ વચ્ચે મતભેદો !

ન્યુ ઈન્ડીયન એકસપ્રેસના પત્રકારનો ધડાકોઃ આરોપ છે કે તોફાનો દરમિયાન દિલ્હી પોલીસે સ્થિતિ નિયંત્રણ લાવવામાં અપેક્ષિત તત્પરતા નથી દેખાડીઃ આ બાબતને ગૃહમંત્રી શાહ સાથે જોડવામાં આવે છેઃ દિલ્હી પોલીસ સીધેસીધી ગૃહમંત્રીને રીપોર્ટ કરે છેઃ છેલ્લી ઘડીએ પીએમ મોદીએ ડોભાલને જવાબદારી સોંપી

નવી દિલ્હી, તા. ૨૯ :. દિલ્હીના રમખાણો બાદ પાટનગરમાં કાયદો અને વ્યવસ્થા બહાલ કરવા માટે કેન્દ્ર સરકારે ઉતાવળમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને જવાબદારી સોંપી હતી. ડોભાલે બે વખત હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. એક વરિષ્ઠ પત્રકારે પોતાના રીપોર્ટમાં દાવો કર્યો છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને દિલ્હીના તોફાનો બાદ સ્થિતિ નિયંત્રણમાં લાવવાની જવાબદારી આપવી એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે એક ઝટકા સમાન કહી શકાય. એવો આરોપ છે કે રમખાણો દરમિયાન દિલ્હી પોલીસે તોફાનોને નિયંત્રીત કરવા માટે અપેક્ષીત તત્પરતા દાખવી નહોતી. એવામાં આને ગૃહમંત્રી અમિત શાહ સાથે જોડવામાં આવી રહ્યુ છે કારણ કે દિલ્હી પોલીસ સીધે સીધી  ગૃહમંત્રીને રીપોર્ટ કરતી હોય છે.

ન્યુ ઈન્ડીયન એકસપ્રેસમા છાપેલા પોતાના લેખમાં વરિષ્ઠ પત્રકાર અનિતા કાતીયાલે દાવો કર્યો છે કે દિલ્હી તોફાનોને જે રીતે દિલ્હી પોલીસે હેન્ડલ કરી તેનાથી પીએમ નરેન્દ્ર મોદી ખુશ નહોતા. એવામાં માનવામાં આવે છે કે, ખુદ પીએમ મોદીએ સ્થિતિને વહેલી તકે સામાન્ય કરવા માટે અજીત ડોભાલને તેની જવાબદારી સોંપી હતી.

પત્રકારના લેખ અનુસાર એ બાબતનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, પીએમ મોદી અને કેબીનેટ મંત્રી અને તેમના સાથી અમિત શાહ વચ્ચે મતભેદ ઉપસ્યા છે. દિલ્હી રમખાણોને લઈને અમિત શાહ તેમના ટીકાકારોના નિશાના પર છે. આરોપ છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ હિંસા ભડકયા બાદ હજુ સુધી હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી નથી. કોંગ્રેસના નેતાઓએ તો અમિત શાહના રાજીનામાની પણ માંગણી કરી છે.

(3:42 pm IST)