Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કોરોના ઈફેકટઃ ભારતે ઈરાન જતી ફલાઈટો કેન્સલ કરી

ફસાયેલાઓને પરત લાવોઃ ગુજરાત-તામિલનાડુ

નવી દિલ્હી, તા. ૨૯ :. ઈરાનમાં કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતે ઈરાનથી આવતા જતા બધા ઉડ્ડયનો રોકવાનો નિર્ણય કર્યો છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ)એ આ નિર્ણયની માહિતી આપી છે. જ્યારે જાપાન અને દક્ષિણ કોરીયાના નાગરિકો માટે વિઝા ઓન એરાઈવલને હંગામી ધોરણે બંધ કરી દેવાયા છે. ભારત પહેલા પાકિસ્તાને પણ ઈરાન આવતા જતા ઉડ્ડયનો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈરાનમાં આ વાયરસના કારણે ૩૪ લોકોના મોત થઈ ચૂકયા છે અને ૩૮૮ બિમાર છે, ત્યાં કેટલાક શહેરોને બંધ કરી દેવાયા છે. ઈરાનમાં ૪૦ વર્ષોમાં પહેલીવાર શુક્રવારની નમાજ નથી થઈ.

બીજી તરફ કેટલાય ભારતીય માછીમારો ઈરાનમાં ફસાઈ ગયા છે. તેઓ ગુજરાત અને તમિલનાડુના છે. ગુજરાત સરકાર પ્રધાન રમણ પાટકરે વિદેશ પ્રધાન એસ. જયશંકરને લખ્યુ છે કે ૩૪૦ માછીમારો હોરમોજગન પ્રાંતમાં ફસાયા છે. ઈરાન સરકારે ત્યાં અવરજવર રોકી દીધી છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન ફલાનીસામીઓ પણ વિદેશ પ્રધાનને લખ્યુ છે કે લગભગ ૪૫૦ માછીમારો ઈરાનમાં ફસાયા છે, તેમાંથી ૩૦૦ તમિલનાડુના છે. આ ઉપરાંત લદ્દાખના લગભગ ૧૨૦૦ શ્રધ્ધાળુઓ પણ ઈરાનમાં ફસાઈ ગયા છે. લદ્દાખના સાંસદ જામયાંગે વિદેશ પ્રધાન સાથે મુલાકાત કરી અને ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

(11:36 am IST)