Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ભાજપના ચાણકયને સંસદ સત્રમાં કોઠા વિંધાવા માટે કોંગ્રેસે રાજકીય સોગાઠા ગોઠવ્યાઃ ગરમાગરમીના એંધાણ

સત્રના બીજા ભાગમાં સીએએ, દિલ્હી હીંસા, જજ મુરલીધરની બદલી સહીતના મુદ્દેઃ કોંગ્રેસે યુપીએના સાથી પક્ષો ઉપરાંત શિવસેના- તૃણમુલ કોંગ્રેસને દીલ્હી હિંસા મુદ્દે સાથે લાવવા કવાયત આદરી

નવીદિલ્હીઃ સંસદમાં બજેટ સત્રના બીજો ભાગ કેન્દ્ર સરકાર માટે સરળ ન રહે તેવા અણસાર વિપક્ષે આપ્યા છે. દેશભરમાં સીએએ,  એનપીઆર અને એનઆરસીને લઈને દેશભરમાં પ્રદર્શન બાદ દિલ્હી સહીત દેશના ઘણા ભાગોમાં થયેલ હીંસા, આતંકી યુસુફ ચૌપાનને જામીન અને દિલ્હી હાઈકોર્ટના જજ મુરલીધરની બદલી ઉપર વિપક્ષ સખ્ત રૂખ અપનાવશે. ઉપરાંત બજેટ સત્ર પહેલા જ વિપક્ષો દ્વારા ગૃહમંત્રી અમિતભાઈ ઉપર પ્રશ્નોનો મારો રણનિતીના ભાગરૂપે શરૂ કરી દીધો છે.

 

સોમવારથી શરૂ થતા સત્રમાં દિલ્હી હિંસાને લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોની ભાજપ સાથે ગરમાગરમ ચર્ચા થવાની નકકી છે. કોંગ્રેસે હિંસા માટે અમિતભાઈને જવાબદાર ગણાવી તેમના રાજીનામાની માંગ કરી છે. જયારે દિલ્હી હિંસા સુનાવણી કરનાર હાઈકોર્ટના જજ એસ.મુરલીધરની બદલી ઉપર કોંગ્રેસ, શિવસેના, એનસીપીએ સવાલ ઉભા કર્યા છે. દરમિયાન આતંકી યુસુફ ચૌપાનને જામીન મળવાથી કોંગ્રેસને ગૃહમંત્રી શાહ ઉપર નિશાન સાધવાનો વધુ એક મુદ્દો મળી ગયો છે.

કોંગ્રેસે સીધો જ આરોપ લગાવેલ કે ચૌપાન પુલવામાનો આરોપી છે અને તેને જામીન મળવાએ ગૃહખાતા અને કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે. રાજયસભા અને લોકસભામાં કોંગ્રેસ અન્ય બધા વિપક્ષી પક્ષોને સાથે લઈ શાહને ઘેરવાની રણનિતી ઉપર કામ કરી રહી છે. દિલ્હી હીંસા ઉપર ભાજપને ઘેરવા માટે કોંગ્રેસ એનસીપી, ડીએમકે, આરજેડી જેવા યુપીએના સહયોગીઓ સિવાય શિવસેના, તૃણમુલને પણ સાથે લેવાના પ્રયત્નોમાં લાગી છે. ઉપરાંત કોંગ્રેસના સિનીયર લીડર અને સાંસદ કપીલ સીબ્બલે પણ અમિતભાઈના રાજીનામાની માંગ બન્ને ગૃહોમાં ઉઠાવાશેનું જણાવ્યું હતું.

(11:04 am IST)