Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કેન્દ્ર-રાજય સરકાર વચ્ચે ઘર્ષણ

છત્તીસગઢઃ CM બધેલના વિશ્વાસુઓને ત્યાં દરોડાઃ પોલીસે આયકર વિભાગની ૧૯ ગાડીઓ જપ્ત કરી

દંડ ભરાવ્યા બાદ મુકત કરાઇઃ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસઃ દરોડાથી CM લાલઘુમ

રાયપુર, તા.૨૯: છત્તીસગઢમાં આયકર વિભાગની દરોડાની કામગીરીને કારણે  કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચે વિવાદ થયો છે. ગુરૂવારે રાત્રે પોલીસે આયકર વિભાગની ૧૯ કારને જપ્ત કરી હતી અને કાલે દંડ ભરાવીને છોડી હતી.

 

છત્તીસગઢમાં સતત બીજા દિવસે દિલ્હીથી આવેલી આવકવેરા વિભાગની ટીમે કાર્યવાહી ચાલુ રાખી હતી. ગુરુવારે ૩૨ સ્થળે દરોડા પાડ્યા પછી ટીમે શુક્રવારે મુખ્યમંત્રી સચિવાલયની નાયબ સચિવ સૌમ્યા ચૌરસિયાના ભિલાઈ સ્થિત બંગલા પર દરોડા પાડયા હતા. દરવાજો બંધ હોવાથી પંચનામું કરીને ચાવી બનાવનારને બોલાવી તાળું ખોલી તપાસ કરી હતી. બીજીબાજુ રાયપુરમાં મુખ્યમંત્રી ભૂપેશ બાદ્યેલના વિશેષ અધિકારી અરુણ મરકામને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. મોડી સાંજે મુખ્યમંત્રીએ આ અંગે વરિષ્ઠ મંત્રીઓ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મોહમ મરકામ, મુખ્ય સચિવ આરતી મંડલ અને ડીજીપી ડી.એમ. અવસ્થી સાથે બેઠક કરી હતી. બેઠક પછી કાર્યવાહીના વિરોધમાં રાજયપાલ અનસૂયા ઉઈકેને આવેદનપત્ર અપાયું હતું. બે દિવસના આવકવેરા દરોડા પછી છત્તીસગઢમાં ડરનો માહોલ છે. બાદ્યેલે ટ્વિટ કરી હતી કે કેન્દ્રની ભાજપ સરકાર છત્તીસગઢની સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર કરી રહી છે. આવી હતાશા શા માટે? આ અસલી બદલાપુર છે.

૧૦ વગદારોને ત્યાં કાર્યવાહી

આવકવેરા વિભાગે રાયપુરથી શરૂ કરેલી કાર્યવાહી ભિલાઈ, રાયગઢ, બિલાસપુર અને જગદાલપુર સુધી લંબાવી છે. ૨૪ કલાકમાં રાયપુરના મેયર એઝાઝ ઢેબર, માજી મુખ્ય સચિવ વિવેક ઢાંઢ, આઈએએસ અનિલ તુટેજા, એ.પી. ત્રિપાઠી સહિત ૭ વગદારોને ત્યાં કાર્યવાહી કરી છે. શુક્રવારે સૌમ્યા સહિત અન્ય ત્રણ વગદારોને ત્યાં કાર્યવાહી કરાઈ હતી.(૨૩.૯)

(11:03 am IST)