Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

અંકિત શર્માના પોસ્ટમોર્ટમ-રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ, ઓળખ છુપાવવા ચહેરા પર એસિડ નખાયો હતો

નિર્દયી રીતે આઈબી ઓફિસરની હત્યાનો ખુલાસો

નવી દિલ્હી, તા. ૨૯ :. ઈન્ટેલિજન્સ બ્યુરોના કર્મચારી અંકિત શર્માના પોસ્ટમોર્ટમ-રિપોર્ટમાં એવી માહિતી આપવામાં આવી હતી કે તેમના શરીર પર ધારદાર છરીના અસંખ્ય ઘા હતા અને તેમની ઓળખ છુપાવવા માટે તેમના ચહેરા પર એસિડ નાખવામાં આવ્યો હતો.

આપના કોર્પોરેટર તાહિર હુસેનના મકાન પાસેના નાળા નજીકથી અંકિતનો મૃતદેહ મળ્યો હતો. આજે શુક્રવારે એ નાળામાંથી વધુ ત્રણ મૃતદેહ મળ્યા હતા. એ ત્રણેયની ઓળખ હજી કરવાની બાકી હતી.

અંકિતના શરીરમાંના કેટલાક ઘા તો ખૂબ ઊંડા હતા. એના પરથી જણાતું હતું કે હુમલાખોરોએ કેવા ઝનૂનથી છરી ચલાવી હશે. અંકિતના પિતાએ આપના કોર્પોરેટર તાહિર હુસેન સામે પોતાના પુત્રની હત્યા કરવાની ફરીયાદ નોંધાવી હતી. અંકિતનું શરીર અસંખ્ય ઘાથી વિક્ષિપ્ત થઈ ચૂકયુ હતુ. આમ છતા તેના ચહેરા પર તેજાબ રેડવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે સોમવારે હિંસાગ્રસ્ત ચાંદબાથ વિસ્તારમાંથી ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારી અંકિત શર્માની લાશ મળી હતી. સૂત્રોએ જણાવ્યા અનુસાર ઈન્ટેલિજન્સ વિભાગમાં ડ્રાઈવર તરીકે અંકિત શર્મા ફરજ બજાવતા હતા. મૃતક ચાંદબાગ વિસ્તારમાં જ રહેતા હતા. અંકિતે ૨૦૧૭માં આઈબીમાં નોકરી શરૂ કરી હતી.

(10:33 am IST)