Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

જોકોવિચે રેકોર્ડ 10મી વખત જીત્યું ઓસ્ટ્રેલિયન ઓપન: નડાલની બરાબરી કરી

મેલબોર્નઃ સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાલ જોકોવિચએ ઓસ્ટ્રેલિયન ઓપન પુરૂષ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધુ છે. ફાઇનલમાં ચોથી સીડ જોકોવિચે ત્રીજી સીડ ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસને સીધા સેટમાં હરાવ્યો છે. 2 કલાક 56 મિનિટ ચાલેલી મેચ  જોકોવિચે 6-3, 7-6, 7-5 થી પોતાના નામે કરી છે. આ જીતની સાથે જોકોવિચ એટીપી રેન્કિંગમાં દુનિયાનો નંબર 1 પુરૂષ ખેલાડી પણ બની ગયો છે. 

નોવાક જોકોવિચનું આ 22મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. તેણે પુરૂષ સિંગલ્સમાં સૌથી વધુ ટાઇટલ જીતવાના મામલામાં રાફેલ નડાલની બરોબરી કરી લીધી છે. સ્પેનના રાફેલ નડાલે 22 ટાઇટલ જીત્યા છે. તો સ્વિત્ઝર્લેન્ડના મહાન રોજર ફેડરનના નામે 20 ગ્રાન્ડ સ્લેમ છે. 2008માં જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન પોતાના નામે કરી પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતું. 

 

35 વર્ષના જોકોવિચનું આ 10મું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ છે. તેણે બે વખત ફ્રેન્ચ ઓપન, 7 વખત વિમ્બલ્ડન અને ત્રણ વખત યુએસ ઓપન જીત્યું છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેને ક્યારેય સેમીફાઇનલ કે ફાઇનલમાં હાર મળી નથી. પાછલા વર્ષે વેક્સીન વિવાદને કારણે જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપન રમી શક્યો નહોતો. આ પહેલા 2019, 2020 અને 2021માં તેણે સતત ત્રણ ટાઇટલ જીત્યા હતા. 

 

24 વર્ષના સિતસિપાસ હજુ પણ પોતાના પહેલા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલની રાહ જોઈ રહ્યો છે. આ પહેલા તે 2021માં ફ્રેન્ચ ઓપનના ફાઇનલમાં પહોંચ્યો હતો. ત્યાં પણ તેને જોકોવિચ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સિતસિપાસે પહેલા બે સેટ જીત્યા હતા, પરંતુ જોકોવિચે વાપસી કરી સતત ત્રણ સેટ જીતી ટ્રોફી પોતાના નામે કરી હતી. બંને ખેલાડી 13મી વખત આમને સામના હતા અને જોકોવિચે 11મી જીત હાસિલ કરી છે.

(9:16 pm IST)