Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

બીટિંગ ધ રીટ્રીટ સેરેમની યોજાઈ:પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું સત્તાવાર સમાપન

દર વર્ષે 29 જાન્યુઆરીએ થાય છે આયોજન:કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ મુર્મ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહ્યા: દેશનો સૌથી મોટો ડ્રોન શો યોજાયો

નવી દિલ્હી:પ્રજાસત્તાક દિવસ 2023ની ઉજવણીનું ઔપચારિક સમાપનનું પ્રતિક બીટિંગ ધ રીટ્રીટ સેરેમની દિલ્હીમાં આયોજન કરવામાં આવી હતી. બીટીંગ રીટ્રીટ સેરેમની ભારતીય શાસ્ત્રીય સંગીત પર આધારિત ધૂનોથી ભરપૂર છે. આ દરમિયાન દેશનો સૌથી મોટો ડ્રોન શો પણ યોજાયેલ, જેમાં 3,500 સ્વદેશી ડ્રોન સામેલ થયેલ.

વિજય ચોક ખાતે ભવ્ય કાર્યક્રમ દરમિયાન નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકના આગળના છેડે પ્રથમ વખત રંગબેરંગી લાઈટો દ્વારા વિવિધ આકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.

દિલ્હીમાં યોજાઇ રહેલ બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા હતા. આ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઉપરાંત, CDS, ત્રણેય સેનાના વડાઓ પણ સમારોહમાં હાજરી આપી હતી.

આ સાથે આર્મી, નેવી, એરફોર્સ, સ્ટેટ પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના મ્યુઝિક બેન્ડ આ કાર્યક્રમમાં 29 મધુર ધૂન વગાડાયેલ હતી.

બીટિંગ ધ રીટ્રીટ સેરેમની દરમિયાન ડ્રોન શો ખાસ બની રહેલ. આ ડ્રોન શોનું આયોજન સ્ટાર્ટ-અપ બોટલેબ્સ ડાયનેમિક્સ દ્વારા કરવામાં આવશે. પ્રથમ વખત બીટીંગ રીટ્રીટ સેરેમની દરમિયાન નોર્થ અને સાઉથ બ્લોકના આગળના છેડે 3D એનામોર્ફિક પ્રોજેક્શનનું આયોજન કરવામાં આવેલ.

બીટિંગ ધ રીટ્રીટ સેરેમની દર વર્ષે 29 જાન્યુઆરીએ થાય છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો સત્તાવાર અંત બીટિંગ ધ રીટ્રીટ સાથે થાય છે, જે વિજય ચોક ખાતે થાય છે. સાંજે સમારંભના ભાગરૂપે ધ્વજ ઉતારવામાં આવે છે. બીટીંગ ધ રીટ્રીટ દરમિયાન રાષ્ટ્રપતિ ભવન, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક અને સંસદ ભવન તમામને રોશનીથી શણગારવામાં આવે છે.

(9:19 pm IST)