Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

પેગાસસ મુદ્દે ધમાસણ વચ્ચે ભારત-ઈઝરાયલના સંબંધોના 30 વર્ષ પૂર્ણ : પીએમ મોદીએ કહ્યું -સંબંધો વધુ મજબૂત બનશે

ભારત-ઇઝરાયલની મિત્રતા આવનારા દાયકાઓમાં પરસ્પર સહયોગના નવા રેકોર્ડ સર્જતી રહેશે

નવી દિલ્હી :ભારત સરકારે ઈઝરાયલ પાસેથી પેગાસસ ખરીદ્યું હોવાના એક વિદેશી અખબારના રિપોર્ટ બાદ દેશમાં રાજકીય ઘમાસાણ મચ્યું છે.પેગાસસ પર મચેલા રાજકીય ઘમાસાણની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ ઈઝરાઈલ સાથે સાડા ત્રણ મિનિટ સંવાદ સાધ્યો. આજે ભારત અને ઈઝરાઈલ વચ્ચેના સંબંધોને 30 વર્ષ પૂર્ણ થયા આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ સાડા ત્રણ મિનિટનું ભાષણ આપ્યું પણ તેમાં પેગાસસનો કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નહોતો.

મોદીએ કહ્યું હતું કે, આજે આપણા સંબંધોમાં એક વિશેષ દિવસ છે. 30 વર્ષ પહેલા આજના જ દિવસે આપણી વચ્ચે રાજદ્વારી સંબંધો સંપૂર્ણપણે સ્થાપિત થયા હતા. બંને દેશો વચ્ચે એક નવા અધ્યાયની શરૂઆત થઈ. આપણા લોકો વચ્ચે સદીઓથી ગાઢ સંબંધ રહ્યો છે કારણ કે ભારતનું મૂલ્ય પ્રકૃતિ છે કે સેંકડો વર્ષોથી આપણો યહૂદી સમુદાય ભારતીય સમાજમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના સુમેળભર્યા વાતાવરણમાં રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, "અત્યારે જ્યારે દુનિયામાં નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યાં છે. ભારત અને ઇઝરાયલના સંબંધોનું મહત્વ વધુ વધ્યું છે. પારસ્પરિક સહકાર માટે નવા લક્ષ્‍યાંકો નક્કી કરવાની આનાથી વધુ સારી તક કઈ હોઈ શકે? મને વિશ્વાસ છે કે ભારત-ઇઝરાયલની મિત્રતા આવનારા દાયકાઓમાં પરસ્પર સહયોગના નવા રેકોર્ડ સર્જતી રહેશે.

30 વર્ષ પહેલા આજના જ દિવસે ભારત અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધો સંપૂર્ણપણે સ્થાપિત થયા હતા. ભારતે 17 સપ્ટેમ્બર, 1950ના રોજ ઇઝરાયલને માન્યતા આપી હતી. જો કે 29 જાન્યુઆરી, 1992ના રોજ બંને દેશો વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા હતા. ત્યારથી, બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો બહુઆયામી વ્યૂહાત્મક ભાગીદારીમાં વિકસિત થયા છે.

(10:33 pm IST)