Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

‘ઈશ્વર સર્વવ્‍યાપી છે': ઈશ્વરને પોતાની દિવ્‍ય ઉપસ્‍થિતિ માટે કોઈ ખાસ સ્‍થળની જરૂર નથી

હાઇકોર્ટે ૩૦ વર્ષ જૂના મંદિરને રસ્‍તા પરથી હાટવવાનો આદેશ આપ્‍યો

ચેન્નાઈ, તા.૨૯: મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારના રોજ એક મહત્‍વની ટિપ્‍પણી કરી છે. જાહેર જમીન પરથી એક મંદિરને હટાવવાનો આદેશ આપવામાં આવ્‍યો હતો જેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્‍યો હતો. હાઈકોર્ટે આ કેસની સુનાવણી વખતે જણાવ્‍યું કે, ઈશ્વર સર્વવ્‍યાપી છે. ઈશ્વરને પોતાની દિવ્‍ય ઉપસ્‍થિતિ માટે કોઈ ખાસ સ્‍થળની જરૂર નથી. કટ્ટરપંથી લોકો ધર્મના નામ પર લોકોમાં વિભાજન કરે છે. તમામ સમસ્‍યાઓનું મૂળ કારણ આ જ છે.
ન્‍યાયમૂર્તિ એસ વૈધ્‍યનાથન અને ન્‍યાયમૂર્તિ ડી ભરત ચક્રવર્તીની ખંડપીઠે જણાવ્‍યું કે, અરજી કરનાર પક્ષ મંદિરની સ્‍થાપનાના નામ પર રાજયમાર્ગની સંપત્તિ પર કબજો નથી મેળવી શકતા. આ રસ્‍તો કોઈ પણ પંથ, જાતિ અને ધર્મના લોકો માટે સાર્વજનિક ઉપયોગ માટે છે. ન્‍યાયધીશોની આ પીઠે જણાવ્‍યું કે, જો અરજી કરનાર પક્ષ ભક્‍તો પૂજા કરી શકે તે માટે મંદિર બનાવવા માંગે છે, તો તે પોતાની જમીન પર અથવા મંદિર માટે ઉપલબ્‍ધ જમીન પર મંદિર બનાવી શકે છે અને ત્‍યારપછી મૂર્તિને ત્‍યાં સ્‍થાપિત કરી શકે છે.
કોર્ટે એસ પેરિયાસામી તરફથી દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્‍પણી કરી હતી. તમિલનાડુના પેરમ્‍બલુર જિલ્લાના વેપ્‍પનથટ્ટઈમાં એક મંદિરને હટાવવા માટે વિભાગ તરફથી પાઠવવામાં આવેલી નોટિસને રદ્દ કરવાની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. મંદિરના એક ટ્રસ્‍ટી જણાવે છે કે, મંદિર ત્રણ દશકથી વધારે સમયથી અસ્‍તિત્‍વમાં છે. જનતા અને પરિવહનને અડચણરુપ સાબિત ન થાય તે રીતે તેનું નિર્માણ કરવામાં આવ્‍યુ હતું. પરંતુ કોર્ટે આ અરજીનો સ્‍વીકાર નહોતો કર્યો.
કોર્ટે દલીલ કરી કે, અરજી કરનાર પક્ષની દલીલ છે કે મંદિરનું નિર્માણ ૩ દશક પહેલા કરવામાં આવ્‍યુ હતું અને જમીન મંદિરની હતી પરંતુ તેને સાબિત કરવા માટે જરુરી દસ્‍તાવેજ રજૂ નથી કરી શક્‍યા. અને જો આ રીતે દલીલને સ્‍વીકારી લેવામાં આવશે તો બીજા લોકો પણ જાહેર જમીન પર અતિક્રમણ કરશે અને દલીલ સાથે આવશે કે આનાથી નાગરિકોને કોઈ અડચણ નથી.

 

(4:02 pm IST)