Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

સમુદ્રી સુરક્ષા વધુ મજબૂત: સ્વદેશી લાઇટ હેલિકોપ્ટર એએલએચ એમકે-3 વિમાનને INS ઉત્ક્રોશમાં સામેલ

લશ્કરી વિમાનોના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફની જબરદસ્ત છલાંગ

નવી દિલ્હી :સમુદ્રી સુરક્ષાને મજબૂત કરવા માટે સ્વદેશી લાઇટ હેલિકોપ્ટર એએલએચ એમકે-3 વિમાનને આજે ઔપચારિક રીતે આઇએનએસ ઉત્ક્રોશમાં સામેલ કરવામાં આવ્યું છે. તેને પોર્ટ બ્લેર ખાતે આંદામાન અને નિકોબાર કમાન્ડ (સિન્કેન)ના કમાન્ડર-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ અજય સિંહે ઔપચારિક રીતે સામેલ કર્યો હતો.એએલએચ એમકે-3 એરક્રાફ્ટનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવાની સરકારની યોજનાને અનુરૂપ લશ્કરી વિમાનોના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફની જબરદસ્ત છલાંગ દર્શાવે છે.

ભારતની બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ (બીએપીએલ)એ ફિલિપાઇન્સને એન્ટી-શિપ મિસાઇલ સિસ્ટમના સપ્લાય માટે ફિલિપાઇન્સના રાષ્ટ્રીય સંરક્ષણ વિભાગ સાથે કરાર કર્યો છે, એમ સંરક્ષણ મંત્રાલયે આજે જણાવ્યું હતું. બ્રહ્મોસ એરોસ્પેસ લિમિટેડના સીઈઓ અને એમડી અતુલ દિનકર રાણેએ જણાવ્યું હતું કે, 'અમે બ્રહ્મોસ મિસાઇલો માટે 37 મિલિયન ડોલરની ડીલ સાથે ફિલિપાઇન્સ સાથેની અમારી ભાગીદારીને મજબૂત બનાવી રહ્યા છીએ, આ અમારી ફ્લેગશિપ ડીલ છે. બ્રહ્મોસ તેમના માટે મહત્વપૂર્ણ છે, જોકે હજી ઘણી બધી ડીલ થશે. ઘણા દેશોએ બ્રહ્મોસમાં રસ દાખવ્યો છે.

આ ઉપરાંત સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને ડીઆરડીઓના ચેરમેન ડો.જી.સતીશ રેડ્ડીએ જણાવ્યું હતું કે, વિવિધ દેશોએ સપાટીથી હવામાં માર કરનારી મિસાઈલ આકાશ, એસ્ટ્રા મિસાઈલ, એન્ટી ટેન્ક મિસાઈલ, રડાર, ટોર્પીડોઝમાં રસ દાખવ્યો છે. તેમણે કહ્યું કે હજી પણ વધુને વધુ સિસ્ટમો વિકસિત કરવામાં આવી રહી છે જેમાં અદ્યતન તકનીકી છે અને નિકાસની સંભાવના પણ છે.

(12:48 am IST)