Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

યુક્રેન પર હુમલો કરવાનો કોઈ અમારો ઇરાદો નથી :રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવેની સ્પષ્ટતા

અમે કોઈ પણ પ્રકારનું યુદ્ધ શરૂ કરવા માંગતા નથી: લાવરોવનું આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની ચેતવણીના પગલે આવ્યું

નવી દિલ્હી :યુક્રેન-રશિયા વિવાદમાં હાલ તો યુદ્ધનો ખતરો ખતમ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવે સ્પષ્ટ કર્યું: 'અમારો યુક્રેન પર હુમલો કરવાનો કોઈ ઇરાદો નથી. અમે કોઈ પણ પ્રકારનું યુદ્ધ શરૂ કરવા માંગતા નથી.

જો કે લાવરોવે એ પણ સ્પષ્ટ કર્યું કે રશિયનોને પણ પોતાના દેશની રક્ષા કરવાનો એટલો જ અધિકાર છે જેટલો અન્ય કોઇ દેશ પાસે છે.

લાવરોવનું આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની ગુરુવારની રાતની ચેતવણીના પગલે આવ્યું છે કે જો રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો તેના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેની કિંમત વ્યક્તિગત રૂપે ચૂકવવી પડશે. વ્હાઈટ હાઉસે પુતિન પર વ્યક્તિગત રીતે પ્રતિબંધો લાદવાની ધમકી પણ આપી હતી.

યુ.એસ. અને તેના નાટો સાથીઓ યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર હતા. બાયડને સ્પષ્ટ કર્યું હતું કે જો રશિયા કોઈપણ સમયે યુક્રેન પર આક્રમણ કરશે, તો તેને નાટો પર હુમલો માનવામાં આવશે અને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ત્યારબાદ બ્રિટને ટેન્ક વિરોધી હથિયારો મોકલ્યા અને કેનેડાએ યુક્રેનમાં રેજિમેન્ટ મોકલી. રશિયા પણ સમજી ગયું હતું કે જો તે યુક્રેન પર યુદ્ધ કરશે તો તે અહીં જ અટકશે નહીં, પરંતુ આગ યુરોપના ઘણા દેશોમાં ફેલાઈ શકે છે. યુ.એસ.એ રશિયાને લેખિત દરખાસ્ત કરી હતી કે તે કઈ માંગણીઓ સ્વીકારવા તૈયાર છે.

આ દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે સીધી ફોન પર લાંબી વાતચીત કરી હતી. મેક્રોને તેમને સ્પષ્ટ કહ્યું કે જો રશિયા પગલાં પાછા નહીં ખેંચે તો દુનિયાને નવા યુદ્ધના ખતરાનો સામનો કરવો પડશે અને તે કોઈના હિતમાં નહીં હોય. બીજી તરફ જર્મની પણ રશિયા પર સતત દબાણ વધારી રહ્યું હતું કે યુદ્ધની સ્થિતિમાં રશિયા સાથે તેના સંબંધો બગડી શકે છે. આ ઉપરાંત ચીન પણ રશિયા પર દબાણ લાવી રહ્યું હતું કે, તે પણ વિન્ટર ઓલિમ્પિક સુધી કોઈ પણ પ્રકારે આક્રમણ ન કરે.

(12:47 am IST)