Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

પુરીનું જગન્નાથ મંદિર 1 ફેબ્રુઆરીથી ભાવિકો માટે ફરીથી ખોલાશે :રવિવારે સ્વચ્છતા માટે બંધ રહેશે

લોકોની લાગણી અને કોવિડ-19ના કેસમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને મંદિરને લોકો માટે ફરીથી ખોલવાનો નિર્ણય

નવી દિલ્હી : ઓડિશા સરકારે જાહેરાત કરી કે સ્થાનિક લોકોની આજીવિકા અને રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિમાં નજીવા સુધારાને ધ્યાનમાં રાખીને પુરીનું જગન્નાથ મંદિર 1 ફેબ્રુઆરીથી ભક્તો માટે ફરીથી ખોલવામાં આવશે. પુરીના જિલ્લા કલેક્ટર સમર્થ વર્માએ શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) અને છતિસા નિજોગ (મંદિર સેવા સંસ્થા)ના સભ્યોની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે બારમી સદીનું મંદિર રવિવારે સ્વચ્છતા માટે બંધ રહેશે.

તેમણે કહ્યું કે સ્થાનિક અર્થવ્યવસ્થા મોટાભાગે મંદિર પર નિર્ભર છે. આ સિવાય લોકોની લાગણી અને કોવિડ-19ના મામલામાં નજીવા ઘટાડાને ધ્યાનમાં રાખીને 1 ફેબ્રુઆરીથી મંદિરને લોકો માટે ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે સ્થાનિક પરિસ્થિતિને જોતા તહેવારો પર મંદિર બંધ રહેશે. કલેક્ટરે કહ્યું કે ભક્તોને પૂર્વ દરવાજા (સિંહ દ્વાર) દ્વારા મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે પુરીના સ્થાનિક લોકો પશ્ચિમી દરવાજાથી મંદિરની અંદર જશે. રાજ્યમાં કોવિડ-19 કેસના પુનરુત્થાન અને કેટલાક સેવકો અને મંદિરના કર્મચારીઓને વાયરસનો ચેપ લાગવાને કારણે SJTA એ 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી મંદિર બંધ રાખ્યું હતું. મંદિર ભક્તો માટે બંધ હોવા છતાં દેવી-દેવતાઓની નિયમિત વિધિમાં કોઈ અડચણ ન હતી.

જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, લોકો મંદિરની મુલાકાત લઈ શકે તે માટે વિગતવાર માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેમાં દર્શનનો સમય અને રોગચાળા દરમિયાન મંદિરમાં પ્રવેશવા માટે જરૂરી સાવચેતીઓનો ઉલ્લેખ કરવામાં આવશે. અગાઉ, એક સ્થાનિક સંગઠન શ્રી જગન્નાથ સેનાએ મંદિરને ફરીથી ખોલવાની માંગ સાથે મંદિરની સામે પ્રદર્શન કર્યું હતું.

(12:41 am IST)