Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

પ્રશાંત કિશોર-પવન વર્માની હકાલપટ્ટી : સસ્પેન્સનો અંત

નિતિશ કુમાર સામે મોરચો ખોલવા બદલ હકાલપટ્ટી : પક્ષ વિરોધી ગતિવિધીને ચલાવાશે નહીં : જેડીયુની ઘોષણા

પટના, તા. ૨૯ : જનતા દળ યુનાટેડે (જેડીયુ) આજે પવન વર્મા અને ચૂંટણી વ્યુહરચનાકાર પ્રશાંત કિશોરની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી દીધી હતી. પૂર્વ રાજ્યસભા સાંસદ પવન વર્માએ દિલ્હીમાં ભાજપની સાથે પાર્ટીના ગઠબંધનનો વિરોધ કરીને ખુલ્લો પત્ર લખ્યો હતો. સાથે સાથે મુખ્યમંત્રી નિતિશ કુમાર ઉપર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. પ્રશાંત કિશોર અને પવનને પાર્ટી લાઈનથી બહાર જઈને નિવેદનબાજી કરવા બદલ સજા મળી છે. બંને નેતાઓએ નિતિશ કુમાર ઉપર આક્રરા પ્રહારો કર્યા હતા. પહેલાથી જ એવી અટકળો હતી બંને નેતાઓને બહાર કરી દેવામાં આવનાર છે. નિતિશે સ્પષ્ટતા કરી દીધી હતી કે, બંને નેતાઓ શિસ્ત પારી રહ્યા નથી. નિતિશ કુમારે કહ્યું હતું કે, બંને નેતાઓ કોઈ પણ જગ્યાએ જવા માટે સ્વતંત્રત છે.

       પાર્ટીમાં રહેવા માટે તેમને શિસ્ત પાળવી પડશે. નિતિશ કુમારના નિવેદન બાદથી અટકળો ચાલી રહી હતી કે, પ્રશાંત કિશોર અને પવન વર્માની હકાપટ્ટી કરવામાં આવનાર છે. જેડીયુના મુખ્ય મહાસચિવ અને રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ નિવેદન કરીને કહ્યું છે કે, પાર્ટી શિસ્ત, પાર્ટીના નિર્ણય અને પાર્ટી નેતૃત્વ પ્રત્યે વફાદાની મુળ મંત્ર તરીકે ગળે છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાથી પાર્ટીની અંદર હોદ્દેદાર તરીકે રહીને પ્રશાંત કિશોરે અનેક વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. જે પાર્ટીના હિતમાં ન હતા. ત્યાગીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષની સામે કિશોરે વાધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જે ખુબ જ શરમજનક સ્થિતિ હતી. બીજી બાજુ નારાજ થયેલા પ્રશાંત કિશોર અને પવન વર્માએ હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ નિતિશ કુમાર ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે,  બિહારના મુખ્યમંત્રીની ખુરશી બચાવવા તેમના દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે. ખુરશી બચાવવા માટે અમે શુભકામના આપી રહ્યા છે.

       પીકે દ્વારા લખવામાં આવ્યું છે કે, નિતિશ કુમાર ખુબ દબાણ હેઠળ દેખાઈ રહ્યા છે. બીજી બાજુ પવન વર્માએ એક કલાક બાદ ટ્વિટ કરીને કહ્યું હતું કે, પોતાને અને પોતાની નિતિઓને બચાવવા માટે અમને બહાર કરવામાં આવ્યા છે. આના કારણે તેમની સ્થિતિ અસ્થિર બની ગઈ હતી. બિહારમાં કોઈપણ કિંમતે મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા માટે નિતિશ કુમારને શુભેચ્છા પણ આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસથી જેડીયુમાં જોરદાર ખેંચતાણનો દોર ચાલી રહ્યો હતો. આખરે આજે જેડીયુમાંથી પ્રશાંત કિશોર અને પવન વર્માએ બહાર કરી દેવામાં આવ્યા છે. પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટી સાથે અને એએપી સાથે સંપર્કમાં હોવાના અહેવાલ મળ્યા છે. પ્રશાંત કિશોરની હકાલપટ્ટી કરાતા વિવાદનો અંત આવ્યોે છે.

(7:33 pm IST)