Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ફ્રીઝ, એસી, વોશિંગ મશીનોની કિંમતમાં જંગી વધારો થઇ શકે

નવા વર્ષમાં કન્ઝયુમર ડ્યુરેબલની કિંમત વધશે : બજેટમાં આયાત ડ્યુટી વધારી દેવામાં આવે તેવી શકયતા

નવી દિલ્હી,તા. ૨૯: સામાન્ય બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે કન્ઝ્યુમર ડ્યુરેટબલની વસ્તુઓમાં વધારો થઇ શકે છે. બજેટમાં અનેક વસ્તુઓની આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યા બાદ કિંમતો વધી શકે છે. હાલમાં આર્થિક મંદીના માહોલમાં સામાન્ય લોકો પરેશાન દેખાઇ રહ્યા છે.  સરકાર દ્વારા આયાત કરવામાં આવતા એર કન્ડીશનર, રેફ્રીજરેટર, વોશિંગ મશીન ઉપર આયાત ડ્યુટી વધારી દેવામાં આવી હતી , પરંતુ તહેવારની સિઝનના કારણે ગ્રાહકો ઉપર આ ચીજોનો બોજ ઝીંકવામાં આવ્યો ન હતો પરંતુ હવે કંપનીઓ વધી ગયેલા ખર્ચને પહોંચી વળવા ગ્રાહકો ઉપર આનો બોજ ઝીંકી શકે છે.  આનાથી સ્થાનિક બજારમાં બનેલી પેદાશો પર ત્રણથી ચાર ટકા અને આયાત કરવામાં આવતી પેદાશો ઉપર ૫-૭ ટકા સુધી કિંમત વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. નવા વર્ષમાં કન્ઝ્યુમર ડ્યુરેબલની ચીજવસ્તુઓ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે પરંતુ એવો ભય પણ છે કે, ઇનપુટ કોસ્ટમાં વધારો અને આયાત ડ્યુટીમાં વધારો થવાના પરિણામ સ્વરુપે જે બોજ આવશે તેને કંપનીઓ પરત લેવા માટે તૈયાર નથી. ગ્રાહકો ઉપર બોજ ઝીંકવામાં આવ્યા બાદ કિંમતોમાં વધારો થઇ શકે છે. છેલ્લા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરકારે આયાત કરવામાં આવતા એરકન્ડીશનર, રેફ્રીજરેટર અને વોશિંગ મશીન પર આયાત ડ્યુટી વધારી દીધી હતી. કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરનાર છે. કન્ઝ્યુમર કંપનીઓ બજેટમાં કેવા પગલા જાહેર કરે છે તેના પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

(4:00 pm IST)