Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

બાથરૂમમાં દરવાજાઓ પણ નથી નેહરૂના ચિલ્ડ્રન હોમની હાલત સાવ જર્જરિત

નવી દિલ્હી, તા. ર૯ : અલ્હાબાદમાં ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ જે ચિલ્ડ્રન હોમને બાળકોની યોગ્ય દેખભાળ માટે બનાવ્યું હતું તેની હાલત જર્જરિત થઇ ગઇ છે. રાષ્ટ્રીય બાળ આયોગે આ હાલત બાબતે આશ્ચર્ય તો વ્યકત કર્યું જ સાથે જ જીલ્લા પ્રશાસનને આદેશ આપ્યો છે કે બાળકો માટે અન્ય કોઇ વ્યવસ્થા કરવામાં આવે. આ ચિલ્ડ્રન હોમ 'આનંદ ભવન'ના કેમ્પસની અંદર જ સ્વરાજ ભવનમાં છે.

રાષ્ટ્રીય બાળ આયોગ (એનસીપીસીઆર)ના ઓર્ડરમાં કહેવાયું છે કે ચિલ્ડ્રન નેશનલ ઇન્સ્ટીટયુટની હાલતથી કમિશન ચિંતીત છે. ઘણીવાર કહેવાયા છતાં કાર્યવાહીનો રિપોર્ટ નથી મોકલાયો. કમિશને ત્યાં જઇને પોતે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. ઓર્ડરમાં લખ્યું છે કે ઇન્સ્ટીટયુટ એટલી ખરાબ સ્થિતિમાં છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ છે. બાથરૂમમાં દરવાજાઓ પણ નથી અને અહીં રહેતી છોકરીઓ કેવી રીતે બાથરૂમ વાપરતી હશે તે વિચારી શકાય તેમ નથી. ઓર્ડરમાં કહેવાયું છે કે જીલ્લાધિકારી સંબંધિત એજન્સીઓ પાસેથી ડીટેઇલ રિપોર્ટ લે અને હાલત સુધારવા તાત્કાલીક પગલા લે જયાં સુધી બાથરૂમમાં દરવાજા ન લગાવાય ત્યાં સુધી છોકરીઓને રહેવાની અન્ય કોઇ વ્યવસ્થા કરવામાં આવે.

જીલ્લાધિકારીને મોકલવામાં આવેલ આ ઓર્ડરમાં લખ્યું છે કે જયારે આ હોમ બન્યું હતું તે વખતે જે  એકટ નહોતો પણ જે જે એકટ બન્યા પછી તેના નિયમોનો અમલ બધા ચાઇલ્ડ ફેર ઇન્સ્ટીટયુટે માનવા જ પડે.

(11:46 am IST)