Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કોરોના વાયરસે ચીનના અર્થતંત્રની પથારી ફેરવી

વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા સંકટમાં : કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છેઃ આર્થિક વૃધ્ધિ દરને ૦.૫ ટકાથી ૧ ટકા સુધી અસર પાડશે : વિશ્વ બજારોને પણ ડંખ મારશે

બીજીંગ તા. ૨૯ : આર્થિક મોરચે પડકારો સામે ઝઝુમી રહેલ ચીનની આર્થિક તંદુરસ્તીને હવે કોરોના વાયરસ બિમાર પાડી રહ્યો છે. આવી સમસ્યાઓ સામે લડવાનો ચીનનો અગાઉનો અનુભવ બહુ સારો નહોતો. માનવામાં આવે છે કે, ચીન ચિંતાઓને વધારનારો કોરોના વાયરસ તેની અર્થવ્યવસ્થા માટે પણ બરાબર નથી. તો બીજી તરફ ચીનની સાથે સાથે વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર પણ તેની અસર દેખાવા લાગી છે. આ વાયરસના પ્રકોપ પછી ચીને પોતાના મુખ્ય પ્રાંત હુબેઇમાં તાળાબંધી કરી દીધી છે. હુબેઇની રાજધાની વુહાન ટ્રાન્સપોર્ટ હબ ગણાય છે. નવા હુકમો થાય ત્યાં સુધી પરિવહનના સાધનોને ત્યાં જ રોકી દેવામાં આવ્યા છે.

ચીન દુનિયાની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જીડીપી વિકાસ દરમાં મામુલી વધ ઘટ પણ વૈશ્વિક મંદીને અસર કરવામાં સક્ષમ છે. ભારતની મંદ અર્થ વ્યવસ્થા દુનિયા માટે પહેલા જ ચિંતાનુ કારણ બનેલી છે. હવે કોરોના વાયરસનો પ્રકોપ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર નજર રાખનારા અને સંચાલકો માટે માથાનો દુખાવો વધારી રહ્યો છે.

કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાના શેરબજારોમાં દેખાવા લાગ્યો છે. ચીનના શેન જેન અને શાંઘહાઇ કોમ્પોઝીટ સ્ટોક માર્કેટમાં ક્રમશઃ ૩.૫૨ અને ૨.૭૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. અત્યારે ચીનમાં લુનર નવા વર્ષની રજાઓ ચાલે છે. એટલે આ રજા અને ફરવા જવાની મોસમ હોય છે. આ એવો સમય હોય છે જ્યારે લાખો લોકો દુનિયાભરના અન્ય દેશોમાં ફરવા જાય છે. આ વર્ષે લગભગ ૭૦ લાખ લોકોએ વિદેશ પ્રવાસની યોજના બનાવી હતી. જોકે ૨૦૧૯ની સરખામણીમાં આ વર્ષે વિદેશ જનારાઓમાં લગભગ ૪૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. પરિવહન બંધ થવાથી ઉદ્યોગોની સાથે સાથે આયાત નિકાસને પણ અસર થઇ છે. ચીન અત્યારે દુનિયાનું મેન્યુફેકચરીંગ સેન્ટર છે. પરિવહન લાંબો સમય બંધ રહેવાથી દુનિયાના અન્ય દેશો પર પણ તેની અસર થશે.

કોરોના વાયરસે ચીનની અર્થવ્યવસ્થા પર શું અસર કરી છે, તેની સાચી જાણ તો પછી ખબર પડશે પણ પ્રાથમિક અનુમાનો જણાવે છે કે ચીનની આર્થિક વૃધ્ધિને અડધાથી એક ટકા જેટલી અસર કરી શકે છે. ચીની અર્થવ્યવસ્થાનો એક ટકો ૧૩૬ અબજ ડોલર, જે બહુ મોટી રકમ છે. એશિયન ડેવલોપમેન્ટ બેંક અનુસાર, કોરોના વાયરસની વૈશ્વિક અસર આનાથી ઘણી વધારે થશે.

(11:44 am IST)