Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

'સરદાર' કોના? નવો વિવાદઃ મામલો કોર્ટમાં

'સરદાર'ની માલિકી માટે સરકાર અને પાટીદારો વચ્ચે દાવા - પ્રતિદાવાઃ 'સરદાર' શબ્દનો ઉપયોગ કરતી કંપનીઓને મળી નોટીસ

નવી દિલ્હી તા. ૨૯ : 'સરદાર' કોના પાટીદારોના કે પછી સરકારના? નવો વિવાદ ઉભો થયો છે અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે.

 

સરદાર પટેલના માનમાં દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનાવ્યા બાદ હવે રાજય સરકારે 'સરદાર'ની માલિકી લેવા માટે કાયદાકીય લડત શરૂ કરી છે. મહાત્મા ગાંધીએ વલ્લભભાઈ પટેલને તેમની ઓર્ગેનાઈઝેશન સ્કીલ્સ માટે 'સરદાર'નું બિરુદ આપ્યું હતું. પરંતુ રાજય સરકારની હસ્તક આવતા ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC)એ સરદાર બાયોકેમ ફર્ટિલાઈઝરના માલિક અશોક પટેલને કોમર્શિયલ કોર્ટમાં નોટિસ ફટકારી છે.

અશોક પટેલને તેની કંપની અને ફર્ટિલાઈઝર પ્રોડકટ્સ માટે 'સરદાર'શબ્દનો ઉપયોગ કરવા માટે લીગલ નોટિસ આપવામાં આવી છે. GSFCએ દાવો કર્યો છે કે આ ટ્રેડમાર્ક શબ્દનો ફર્ટિલાઈઝર અને કેમિકલ પ્રોડકટ માટે ઉપયોગ કરવાનું લેબલ તેમણે ૧૯૬૭માં લીધેલું છે. તેણે દાવો કર્યો છે કે અશોક પટેલ અને તેની કંપની તેમના ટ્રેડમાર્કનો ઉપયોગ કરી રહ્યા છે, જે GSFC સાથે રજીસ્ટર થયેલો છે. રાજય સરકાર ઈચ્છે છે કે અશોક પટેલ તેની કંપની અને પ્રોડકટ્સ માટે 'સરદાર'શબ્દનો ઉપયોગ કરવાનું બંધ કરે.

બીજી તરફ અશોક પટેલે દલીલ કરી છે કે તે પાટીદાર સમાજનો છે અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ સમાજના હતા. એક સમાજનો સભ્ય હોવાના કારણે તેને 'સરદાર'શબ્દનો ઉપયોગ કરવાનો અધિકાર છે. તેણે આગળ કહ્યું કે, 'સરદાર'એ વલ્લભભાઈ પટેલનું ટાઈટલ છે, તે ટ્રેડમાર્ક તરીકે રજીસ્ટર થઈ શકે નહીં.

રાજય સરકારે અશોક પટેલની દલીલનો જવાબ આપ્યો કે સરદારના બદલે રાજકીય નેતા સાથે પોતાની નિકટતા બતાવવા માટે તે તેમના નામ ઉપયોગ કરી શકયો હોત. સરકારે આરોપ લગાવ્યો કે તેણે જાણી જોઈને 'સરદાર' લેબલનો ઉપયોગ કર્યો છે જે GSFCનું ટ્રેડમાર્ક હોઈ ભ્રામક છે. કોર્ટે આ મામલે હવે ૭મી ફેબ્રુઆરીએ આગળની સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. GSFCના સલાહકાર પ્રણિત નાણાંવટી મુજબ રાજય સરકારે GSFCને આદેશ આપ્યો છે કે ફર્ટિલાઈઝર અને અન્ય એગ્રિકલ્ચર પ્રોડકટ્સ માટે 'સરદાર'શબ્દનો ઉપયોગ કરનારા લોકો અને કંપનીઓ વિરુદ્ઘ પગલા ભરવામાં આવે. ઘણા વર્ષો સુધી 'સરદાર'શબ્દની કોપી કરાયા બાદ આવો આદેશ આપવામાં આવ્યો હતો.

સરકારને આ નામ હેઠળ આપવામાં આવતા પ્રોડકટની કવોલિટી વિશે પણ શંકા છે અને તેમને લાગે છે કે ખેડૂતોને છેતરવામાં આવે છે. નાણાંવટીએ જણાવ્યું કે, PSU દ્વારા ૧૦ જેટલી કંપનીઓને ટ્રેડમાર્કના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારવામાં આવી છે. કેટલીક કંપનીઓએ ટ્રેડમાર્કના ઉલ્લંઘનનો સ્વીકાર કર્યો છે અને નામ હટાવી લીધું છે. વકીલે જણાવ્યું કે, અમે અમદાવાદમાં કાર્યરત સરદાર બાયોકેમ ફર્ટિલાઈઝરને નોટિસ ફટકારી છે. અન્ય કંપનીઓને નોટિસ આપવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.(૨૧.૯)

 

(11:35 am IST)