Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

રાહુલને શૂભેચ્‍છા, અહીં કોંગ્રેસ સ્‍થાપના દિવસ મનાવી રહી છે અને રાહુલજી વિદેશમાં આરામ કરી રહ્યા છે... ઘણા થાકી ગયા છેઃ ભાજપના સાંસદ જનરલ વી.કે. સિંહે કટાક્ષ કર્યો

નવી દિલ્હી: દેશમાં કૃષિ કાયદાને લઇને આંદોલન ચાલી રહ્યુ છે. કોંગ્રેસના સ્થાપના દિવસ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે ગયા છે. વિવાદ થયા બાદ કોંગ્રેસ તરફથી આ યાત્રાની પૃષ્ટી પણ કરવામાં આવી છે. ભાજપે રાહુલ ગાંધીના પ્રવાસને લઇને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ભાજપના પ્રહાર વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ નથી પણ સોનિયા ગાંધી છે.

ભાજપ સાંસદ જનરલ વીકે સિંહે રાહુલ ગાંધીની યાત્રા પર કટાક્ષ કરતા કહ્યુ કે, રાહુલને શુભેચ્છા, અહી કોંગ્રેસ સ્થાપના દિવસ મનાવી રહી છે અને રાહુલજી વિદેશમાં આરામ કરી રહ્યા છે..ઘણા થાકી ગયા છે. કોંગ્રેસનો હાલ આ છે તો જે સમજદાર છે તેમણે બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસે કરી સ્પષ્ટતા

ભાજપ તરફથી સતત પ્રહાર વચ્ચે કોંગ્રેસ હવે સ્પષ્ટતા કરવામાં લાગી ગઇ છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે રાહુલ ગાંધી એક ખાનગી યાત્રા પર ગયા છે, તેમની નાનીનું સ્વાસ્થ્ય ખરાબ છે. એવામાં ભાજપે તેની પર સવાલ ઉભા ના કરવા જોઇએ. સુરજેવાલાએ કહ્યુ કે રાહુલ ગાંધી અત્યારે પાર્ટી અધ્યક્ષ નથી, સોનિયા ગાંધી છે. પાર્ટી રાહુલને જે પણ જવાબદારી આપે છે, તે તેનો વહન કરે છે.

રણદીપ સુરજેવાલા સિવાય કેસી વેણુગોપાલે પણ ભાજપ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો પર નિશાન સાધ્યુ છે. જ્યારે પાર્ટીના સ્થાપના દિવસે જ્યારે મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા કાર્યાલયે પહોચ્યા તો તેમને પણ રાહુલ ગાંધીને લઇને સવાલ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રિયંકાએ કોઇ જવાબ આપ્યો નહતો.

મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધીના ઇટાલી જવાના સમાચાર સામે આવ્યા હતા, જે બાદ સોશિયલ મીડિયા પર વિવાદ થયો હતો. આ વિવાદ બાદ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીની વિદેશ યાત્રાની પૃષ્ટી કરવામાં આવી હતી. વિદેશ પ્રવાસે હોવા છતા રાહુલ ગાંધીએ પાર્ટીના સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી હતી.

(5:05 pm IST)