Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

નવા વર્ષમાં કોરોનાથી છૂટકારો મળવાના પ્રબળ સંકેત

એક બાજુ જયાં ભારતમાં કોરોનાની રસીની તૈયારીઓ જોરશોરમાં છે ત્યાં હવે સંક્રમણની ગતિ ઉપર પણ બ્રેક લાગતી જોવા મળી રહી છે

નવી દિલ્હી, તા.૨૮: નવા વર્ષમાં કોરોના મહામારીથી છૂટકારો મળવાની આશા વધી રહી છે. એક બાજુ જયાં ભારતમાં કોરોનાની રસીની તૈયારીઓ જોરશોરમાં છે ત્યાં હવે સંક્રમણની ગતિ ઉપર પણ બ્રેક લાગતી જોવા મળી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાના દર્દીઓના સાજા થવાની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સાથે જ એકિટવ કેસમાં પણ સતત દ્યટાડો નોંધાઈ રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૦,૦૨૧ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા ૧,૦૨,૦૭,૮૭૧ પર પહોંચી ગઈ છે. જેમાંથી ૨,૭૭,૩૦૧ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જયારે  ૯૭,૮૨,૬૬૯ દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં ૨૭૯ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૧,૪૭,૯૦૧ પર પહોંચી ગયો છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે કોરોના રિકવરી રેટ ૯૦ ટકા ઉપર પહોંચી ગયો છે. ભારતનો કોરોના રિકવરી રેટ હાલ  ૯૫.૮૩% પર પહોંચ્યો છે.  વિશ્વના અન્ય દેશોની સાથે સરખામણી કરીએ તો વિશ્વમાં પર મિલિયન કોરોના કેસની સંખ્યા જયાં અમેરિકામાં સૌથી વધુ ૫૬૩૪૦ છે જયાં ભારતમાં ૭૩૯૭ છે. અમેરિકા પછી બીજા નંબરે ફ્રાન્સ, ત્રીજા ક્રમે બ્રાઝીલ, ચોથા ક્રમે ઈટાલી, પાંચમા ક્રમે યુકે, પછી રશિયા આવે છે.

દેશના ચાર રાજયોમાં કોરોના રસી આપતા પહેલા તૈયારીઓની સમીક્ષા માટે ડ્રાય રન કરવામાં આવી રહી છે. આ ચાર રાજયો પંજાબ, આસામ, આંધ્ર પ્રદેશ અને ગુજરાત છે. આ ચારેય રાજયોના બે જિલ્લાઓમાં પાંચ જગ્યાઓ પર ડ્રાય રન કરવામાં આવનાર છે.

(3:00 pm IST)