Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ફૂડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સતત નાવિન્યસભર સ્વાદિષ્ટ ખાદ્ય સામગ્રી બજારમાં મુકવાનો ક્રેઝ

ફૂડ આઇટમો ઝડપી તૈયાર કરવા તેમજ આકર્ષક પેકેજીંગ માટે ફૂડ ને લગતા મશીનરી ઉદ્યોગમાં પણ તેજીનો સંચાર જોવા મળે છે : હવે ફરાળી ખાખરા - થેપલા, બિસ્કીટ, પીઝા - ઢોસા સહિત નમકીનમાં અનેક વેરાયટીઓ નાના પેંકિંગમાં ઉપલબ્ધ હોય નમકીન ઉદ્યોગમાં પણ સતત ગ્રોથ વધી રહ્યો છે

રાજકોટ તા. ર૮ : સમગ્ર દેશમાં ફૂડ બીઝનેસનો ગ્રોથ સતત વધી રહ્યો છે. ફૂડ ઇન્ડસ્ટ્રીઝનો ધ્યેય હંમેશા લોકોને સમયાંતરે નાવિન્યસભર સ્વાદથી ભરપુર નવી-નવી ફૂડની આઇટમ બજારમાં નવા જ સ્વાદ અલગ-અલગ ફલેવર સાથે મુકી ગ્રાહકોને આકર્ષવાનો રહ્યો છે.

અનેક ઉદ્યોગો આ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે. ઉદ્યોગકારો ગ્રાહકોની રૂચીને અનુરૂપ વાનગીઓ બજારમાં મુકવા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે.

ફૂડ ઇન્ડસ્ટ્રીઝનો સતત ગ્રોથ જોતા ફૂડ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો માલિકોને ફૂડ વિષે માહિતીગાર કરવા માટે રાજકોટના યુવાન મયુર પ્રાગજીભાઇ પીલોજપરા (મો.૯૯૭૯૧ ૦૪૧૭૩) ને ફૂડ અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝને આગળ ધપવા માટે કંઇક માહિતી મળી રહે તેવા શુભ આશયથી ''ફૂડની વાત'' નામના (માસિક) સામયિકનો રાજકોટમાં પ્રારંંભ કર્યો છે.

આ ફૂડની વાત સામયિકની વિશેષતા એ છે કે, તેમાં ફૂડને લગતી વિવિધ સામગ્રીની માહિતી ગુજરાતી અંગ્રેજી તથા હિન્દી ભાષામાં પ્રકાશીત કરવામાં આવે છે. દર માસની ૧૦ મી તારીખે પ્રકાશીત થતા ફૂડની વાતના માલિક તંત્રી મયુરભાઇએ જણાવેલ છે કે, પહેલા ફરાળમાં માત્ર સાબુદાણાની ખીચડી-સુકીભાજી જેવી લીમીટેડ આઇટમ જ મળતી પણ હવે ફૂડ ઇન્ડસ્ટ્રીઝે ફરાળી ખાખરા, ઢોસા, થેપલા, પીઝા,  પરોઠા તેમજ ચેવડાની અનેક પ્રકરની વેરાયટી બજારમાં મુકીને સ્વાદપ્રિય લોકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

આવી જ રીતે નમકીન  વિશે વાત કરતા મયુરભાઇ જણાવે છે કે, નમકીનમાં તો એટલી બધી વેરાયટી અનેક પ્રકારના આકાર સાથે બજારમાં માત્ર રૂ.પ અને રૂ.૧૦ ના પેકિંગમાં મુકી છે. કુરકુરે, શીંગ ભુજીયા, રૂપિયાના સક્કરપારા જેવા નાના પાપડ, ચકરી, સકકરપારા તથા કઠોળ અને રમકડા આકારની નમકીનની વેરાયટીએ મધ્યમવર્ગીય લોકોના શાળાએ જતા બાળકોમાં ભારે આકર્ષણ જગાવ્યું છે.

નમકીનની નાવિન્ય સભર સ્વાદિૃષ્ટ વેરાયટીએ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથને આગળ ધપાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

ફૂડ ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથની સાથે ફૂડની આઇટમ ઝડપથી તૈયાર કરવા માટે જરૂરી એવી મશીનરીની ઇન્ડસ્ટ્રીઝે પણ તેટલો જ ઝડપી વિકાસ કર્યો છે. ફૂડ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગ સાહસિકો ફૂડની આઇટમ બનાવવા માટે વપરાતી મશીનરીમાં આધુનિકતા લાવવા સતત પ્રયત્નશીલ હોવાનું જણાવતા મયુરભાઇએ જણાવેલ કે, ફૂડ પ્રોસેસીંગ માટેની તથા પેકિંગ માટેની મશીનરીનું મોટે ભાગે રાજકોટમાં જ નિર્માણ થઇ રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં બનતા ેફૂડ પ્રોસેસીંગ મશીનરીની આફ્રીકન દેશોમાં ભારે ડીમાન્ડ છે.

આમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝની ઝડપી આગેકુચ તેને સંલગ્ન મશીનરી પેકેજીંગ મશીનરી તેનું ઉત્પાદન મેઇન્ટેનન્સ તેમાં સતત થઇ રહેલ ટેકનોલોજીના ઉપયોગની માહિતી આપતું ''ફૂડની વાત'' સામયિક દર મહિને પ્રકાશીત કરવામાં આવે છે. ૧૬ પાનાના આ સામયિકની કિંમત રૂ. પ અને વાર્ષિક લવાજમ રૂ.પ૦ છે. સેમ્પલ કોપી માટે મો.૭પ૭પ૮ ૩૦૩૦૯ ઉપર વોટસએપ કરી શકાય છે.

(2:58 pm IST)