Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

દેશનાં ૪ રાજ્યોમાં રસીકરણનું મોક ડ્રિલ

ગુજરાત સહિતના રાજ્યોમાં ડમી રસીકરણ

નવી દિલ્હી,તા. ૨૮: સરકારનું લક્ષ્ય છે કે, જાન્યુઆરીથી દેશમાં કોરોના વેકસીનેશનનું અભિયાન શરૂ થઈ જાય. આ માટે કેન્દ્ર સરકાર ૪ રાજયોમાં વેકસીનેશન ડ્રાય રન શરૂ કરવા જઈ રહી છે. ગુજરાત, પંજાબ, અસમ, આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં આજથી વેકસીનેશનની મોક ડ્રિલ શરૂ થશે. વેકસીનેસનની મોક ડ્રિલ ૨૮ અને ૨૯ ડિસેમ્બર એમ બે દિવસ માટે દરેક રાજયોના બે જિલ્લાઓમાં ચાલશે.

કોરોના વેકસીનના ડ્રાય રનની મદદથી સરકાર વેકસીન  આવવા પર તૈયારીઓને પરખવાનું કામ કરવા માંગે છે. આ ડ્રાય રન દરમિયાન કોઈ પણ વ્યકિતને કોઈ વેકસીન આપવામાં નહીં આવે, પરંતુ વેકસીનેશનની સમગ્ર પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.

જણાવી દઈએ કે, ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે હજુ કોઈ પણ વેકસીનને મંજૂરી નથી મળી, પરંતુ અનેક વેકસીન રેસમાં સૌથી આગળ છે.

ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધી તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૭૦૦૦થી વધુ લોકોને વેકસીનેશન માટે તાલીમ આપવામાં આવી ચૂકી છે.

પ્રથમ તબક્કામાં અંદાજે ૩૦ કરોડ લોકોને વેકસીન  આપવામાં આવશે. જેમાં હેલ્થકેર, ફ્રન્ટલાઈન વર્કર અને ૫૦ વર્ષથી વધુ વયના એવા લોકો, જેમને કોઈ બીમારી પણ હોય. હેલ્થકેર વર્કર એટલે ડોકટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ જેવા લોકો, જેઓ સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં કામ કરે છે. ફ્રન્ટલાઈન વર્કર્સ એટલે કે ત્રણેય સેના, પેરા મિલિટ્રી ફોર્સ, મ્યુન્સિપલ વર્કર્સ અને રાજયની પોલીસ વગેરે..

કોરોના વેકસીનના ડ્રાય રન એવી રીતે હશે, જે રીતે વેકસીન આવવા પર વેકસીનેશનને લઈને પ્લાન કરવામાં આવી છે. એટલે કે જેવી રીતે વેકસીન લગાવવામાં આવવાની છે. આ ડ્રાય રનમાં લોકોને સાચુકલામાં વેકસીન નહીં આપવામાં આવે, પરંતુ માત્ર લોકોનો ડેટા જ લેવામાં આવશે. જેને સરકાર તરફથી Co-Win એપ પર અપલોડ કરવામાં આવશે.

(10:24 am IST)