Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

બ્રિટન-અમેરિકામાં પૈસાના ખેલ શરૂ

લાઇનમાં ઉભુ નથી રહેવું : અમને જલ્દી વેકસીન આપી દયો : ડોકટરોને લાંચની ઓફર

લંડન,તા. ૨૮: અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં કોરોના વેકસીન આપવાની શરૂ થઈ ગઈ છે. કોરોના વાયરસની વેકસીન લેવા માટે લાઈન લાગી રહી છે તેવામાં હવે બ્રિટનમાં રૂપિયાનો ખેલ શરૂ થઈ ગયો છે. બ્રિટનમાં ધનિકો કોરોના વેકસીન લેવા માટેની લાઈનમાં ન ઊભા રહેવું પડે તે માટે ડોકટર્સને રૂપિયા ઓફર કરી રહ્યા છે. હાલમાં બ્રિટનમાં કોવિડ-૧૯દ્ગક વેકસીન આપવી ફકત એનએચએસના હસ્તક છે પરંતુ ઘણા ખાનગી ડોકટર્સ કહી રહ્યા છે કે તેમના પર રૂપિયાવાળા લોકોની ઘણી રિકવેસ્ટ આવી રહી છે કે તેઓ જલ્દી વેકસીન લેવા માટે રૂપિયા ચૂકવવા માટે તૈયાર છે.

વિલ્મસ્લોમાં ખાનગી કિલનિક ધરાવતા ડોકટર રોશન રવિન્દ્રને જણાવ્યું હતું કે ઘણા લોકો તેમને ઈન્જેકશન માટે ૨,૦૦૦ પાઉન્ડ ચૂકવવાની ઓફર કરી રહ્યા છે. ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે ડોકટરે જણાવ્યું હતું કે, આ વાયરસથી ગરીબો અને ધનિકો એક સમાન રીતે અસરગ્રસ્ત થયા છે. મારી કિલનક પર એવા ઘણા લોકો છે જેમની પાસે લખલૂટ રૂપિયા છે. તેઓ વેકસીન લેવા માટે ગમે તે કરી શકે તેમ છે કેમ કે તેમણે કોવિડ-૧૯માં પોતાના સંબંધીઓને ગુમાવ્યા છે. જોકે, ડોકટર રવિન્દ્રને જણાવ્યું હતું કે તેમણે પોતાના આવા ગ્રાહકોને તેમનો વારો આવે ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું છે.

સરકારની વેકસીન ટાસ્ક ફોર્સે સાત વેકસીન નિર્માતાને ૩૫૫ મિલિયનથી વધારે ડોઝનો પ્રી-ઓર્ડર આપ્યો છે. બ્રિટન ફાઈઝર-બાયોએનટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી વેકસીનને મંજૂરી આપનારો પ્રથમ દેશ છે. તેણે ડિસેમ્બરની શરૂઆતમાં આ વેકસીનને મંજૂરી આપી હતી. ઓકસફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેકસીનને પણ આગામી દિવસોમાં મંજૂરી આપવામાં આવે તેવી શકયતા છે. બ્રિટને આ વેકસીનનો ૧૦૦ મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે.

ડોકટર રવિન્દ્રને આશા વ્યકત કરી છે કે આગામી મહિનાઓમાં ખાનગી વેકસીન આપવી શકે છે જેમાં કેટલીક કંપનીઓ વેકસીનના ૨૦,૦૦૦ પાઉન્ડ લઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, અમને એપ્રિલથી વેકસીનનો પ્રાઈવેટ સપ્લાય મળવાનો શરૂ થઈ શકે છે. માર્કેટમાં ઘણી બધી વેકસીન આવી શકે છે. પ્રત્યેક ડ્રગ કંપની વેકસીન લાવવાનો પ્રયાસ કરશે.

ઈન્ડિપેન્ડન્ટ ડોકટર્સ ફેડરેશનના ડોકટર નિલ હાઉટને જણાવ્યું હતું કે આ ઘણી ભયાનક પરિસ્થિતિ કહેવાય. તેમણે કહ્યું હતું કે, આપણે નેશનલ ઈમર્જન્સીમાં છીએ. જે લોકો રૂપિયા આપીને લાઈનમાં ઊભા રહેવાથી બચી જશે તો તે ઘણું અયોગ્ય કહેવાશે. ખાનગી કિલનિક ધરાવતા અન્ય એક ડોકટર માર્ક અલીએ જણાવ્યું હતું કે, તેમને પણ ચિંતિત ગ્રાહકોના નિયમિત ફોન આવી રહ્યા છે પરંતુ પ્રાઈવેટ સેકટર વેકસીન લાવીને એનએચએસને મદદ કરી શકે છે. ઉંમરલાયક અને ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રથમ વેકસીન મળે તે સૌથી મહત્વનું છે.

(9:45 am IST)