Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

નવા કોરોનાના સ્ટ્રેન વિરૂધ્ધ પણ અસરકારક છે એસ્ટ્રાઝેનેકાની વેકિસન

નવા ડેટા પ્રમાણે વેકિસન ફાઇઝર અને મોર્ડનાની વેકિસનની જેમ ૯૫ ટકા સુરક્ષિત છે અને ગંભીર સંક્રમણને રોકવામાં ૧૦૦ ટકા ઉપયોગી છે

લંડન,તા.૨૮: સદીની સૌથી ભયાનક મહામારી સામે લડી રહેલી દુનિયા માટે સારા સમાચાર છે. ભારત માટે આ એક રાહત આપનારી વાત છે, કારણ કે અહીં ઓકસફોર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રાઝેનેકાની જે વેકિસન ઇમરજન્સી ઉપયોગની મંજૂરીની દોડમાં સૌથી આગળ છે, તેને કોરોનાના નવા પ્રકાર (સ્ટ્રેન) વિરુદ્ઘ પણ અસરકારક માનવામાં આવી રહી છે. નવા આંકડાના આધાર પર કંપનીના હવાલાથી બ્રિટનના મીડિયાએ આ દાવો કર્યો છે.

રિપોર્ટ પ્રમાણે, ઓકસફોર્ડ એસ્ટ્રાઝેનેકા વેકિસનને બ્રિટિશ સ્વાસ્થ્ય નિયામક એજન્સી ગુરૂવાર પહેલા ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી શકે છે. એક દિવસ પહેલા જ ભારતે કહ્યું કે, બ્રિટનમાં મંજૂરી મળ્યા બાદ તે આ વિશે નિર્ણય કરશે. ભારતમાં આ વેકિસનને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશીલ્ડના નામથી તૈયાર કરી રહી છે. ભારતમાં જે ત્રણ વેકિસનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળવાની આશા છે, તેમાં કોવિશીલ્ડ સૌથી આગળ છે. આ સિવાય ફાઇઝર અને ભારત બાયોટેકે પણ મંજૂરી માટે દવા કંટ્રોલરને ત્યાં અરજી કરી છે.

એસ્ટ્રાઝેનેકાના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) પાસ્કલ સોરિયોટે કહ્યુ કે, નવા ડેટા પ્રમાણે વેકિસન ફાઇઝર અને મોર્ડનાની વેકિસનની જેમ ૯૫ ટકા સુરક્ષિત છે અને ગંભીર સંક્રમણને રોકવામાં ૧૦૦ ટકા ઉપયોગી છે. તેમણે આશા વ્યકત કરી કે આ વેકિસન કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિરુદ્ઘ પણ અસરકારક રહેશે.

પાસ્કલે કહ્યુ, અમને લાગે છે કે અમે જીતના ફોર્મ્યુલા અને તેને પ્રભાવી બનાવવાની જાણકારી મેળવી લીધી છે, બે ડોઝ બાદ આ દરેકમાં અસરકારક રહી છે.

તો લંડનના અખબાર 'ધ સંડે ટાઇમ્સ'એ એક વરિષ્ઠ સરકારી અધિકારીના હવાલાથી કહ્યું કે, વેકિસનને મંજૂરી મળ્યા બાદ તુરંત ૧.૨થી ૧.૫ કરોડ લોકોને આ વેકિસન લગાવવામાં આવશે. આ તે લોકો છે જેને કોરોનાથી સંક્રમિત થવા પર હોસ્પિટલમાં દાખલ કરાવવાની જરૂર પડી શકે છે.

(9:44 am IST)