Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

આદું થયું સસ્તું ખેડૂતોને ફટકો : ગૃહિણીઓને રાહત

મહારાષ્ટ્રમાં સાતારા અને ઔરંગાબાદ જિલ્લામાં આદુંનું સૌથી વધુ ઉત્પાદન થાય છે

મુંબઇ,તા.૨૮: લોકડાઉનને કારણે દરેક ક્ષેત્રને ગંભીર અસર થઇ છે ત્યારે ખેડૂતો પણ તેમાંથી બાકાત રહ્યા નથી. શિયાળાના ટાણે આદુની માગણીમાં વધારો થયો હોવા છતાં તેના યોગ્ય ભાવ ખેડૂતોને મળી રહ્યા ન હોવાથી તેમને આર્થિક ફટકો લાગી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

શિયાળામાં અન્ય શાકભાજીની સાથે અદરકના ભાવ પણ ગગડ્યા છે. રૂ. ૨૦,૦૦૦થી રૂ. ૨૨,૦૦૦ પ્રતિ ગાડી (૫૦૦ કિલો) ના હિસાબે વેચાતું આદું હાલમાં રૂ. ૬૦૦૦થી રૂ. ૭,૦૦૦માં વેચાઇ રહ્યું છે ત્યારે નવી મુંબઇની એપીએમસી માર્કેટમાં રૂ. ૨૪થી ૨૬ પ્રતિ કિલોના ભાવે આદુ વેચાઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. શિયાળામાં સૌથી વધુ ખવાતા આદુના ભાવમાં ઘટાડો થતાં મુંબઇની ગૃહિણીઓને રાહત મળી છે.

આદુંના ભાવમાં ધરખમ ઘટાડો થતાં ખેડૂતોને ભારે નુકસાન થઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં સાતારા અને ઔરંગાબાદ જિલ્લામાં આદુંનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. છેલ્લાં સાત વર્ષથી આદુંની વાવણી કરનારા ખેડૂતોને પાકના સારા ભાવ મળી રહ્યા હોવાથી ત્યાંના મોટા ભાગના ખેડૂતો આદુંની ખેતી તરફ વળ્યા હતાં, પરિણામે આદુંના ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો હતો.

આ વર્ષે કોરોનાના પ્રસારને રોકવાના હેતુથી લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે રાજયની મોટી બજારો બંધ રહી હતી, પરિણામે આદુંના ભાવમાં ઘટાડો થવા લાગ્યો વર્ષના અંત સુધીમાં ભાવ એકદમ ગગડ્યા હોવાથી ખેડૂતોને યોગ્ય દર મળી રહ્યા નથી. કોરોનાના કેસમાં સતત ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખતા પરિસ્થિતિ ફરીથી સામાન્ય થશે એવો આશાવાદ ખેડૂતોએ વ્યકત કર્યો હતો.

(9:43 am IST)