Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

બેલ્જીયમમાં ગિફટ આપવા આવેલા કોરોના સંક્રમિત સાંતા કલોઝે : ૧૫૭ લોકોને બિમાર કર્યા : ૧૮નાં મોત

લંડન,તા. ૨૮: પશ્ચિમના દેશોમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ વચ્ચે દુનિયાભરમાં તેમાં પણ ખાસ કરીને પશ્યિમના દેશોમાં ક્રિસમસની કોરોનાના ભય વચ્ચે જ ઉજવણી કરવામાં આવી હતી. એવામાં યુરોપના નાનકડા એવા બેલ્જીયમ દેશમાં ક્રિસમસની ઉજવણી સુપરસ્પ્રેડર ઈવેન્ટ બની ગઈ. જેમાં કોરોના સંક્રમિત સાંતા કલોઝના સંપર્કમાં આવનારા ૧૨૧ લોકો બીમાર પડ્યા અને ૧૮ લોકોના મોત થઈ ગયા. ૩૬ જેટલા સ્ટાફ પણ સંક્રમિત થયા હતા.

યુરોપના બેલ્જિયમમાં એક કેયર હોમમાં કોરોના સંક્રમિત સાંતા કલોઝ આવી જતાં ત્યાં રહેતા ૧૨૧ લોકો સંક્રમિત થઈ ગયા. ત્યારબાદ કોરોના સંક્રમિત થનાર ૧૮ લોકોના મોત થતા સન્નાટો છવાઇ ગયો હતો. રિપોર્ટ મુજબ બે અઠવાડિયા પહેલાં સાંતા કલોઝ પોતાના કેટલાક મિત્રો સાથે બેલ્જિયમના એન્ટવર્પના કેયર હોમમાં રહેતા લોકોને ગિફ્ટ્સ આપવા પહોંચ્યો હતો.

૨૪ અને ૨૫ ડિસેમ્બરના રોજ કેયર હોમમાં રહેતા પાંચ લોકોના મોત થયા. જયારે બીજા એક વ્યકિતને ઓકિસજન પર રાખવામાં આવ્યો છે. રિપોર્ટના મુજબ કેયર હોમ આવ્યાના ત્રણ દિવસ બાદ સાંતા કલોઝ ખુદ કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો.

સ્થાનિક મેયર વિમ કીયર્સે કહ્યું કે, કેયર હોમ માટે કાળો દિવસ છે. તેમણે કહ્યું કે, આવનારા ૧૦ દિવસ પણ મુશ્કેલ ભર્યા રહેશે. શરૂઆતમાં મેયરે કહ્યું કે, સાંતા કલોઝના કેયર હોમ ગયા દરમિયાન નિયમોનું પાલન કરાયું હતું, પરંતુ બાદમાં તેમણે તસવીરોના આધાર પર કહ્યું કે નિયમોનું પાલન કરાયું નથી.

કેર હોમમાં વૃદ્ઘોની દેખરેખ કરનારા કર્મચારીઓ મુજબ, જે વ્યકિતએ સાંતાના કપડા પહેર્યા હતા, તે હકીકતમાં એક ડોકટર છે જે અન્ય સમય પર નિવાસીઓની દેખરેખમાં મદદ કરતો હતો. જોકે બેલ્જિયમના એક પ્રમુખ વાયરોલોજિસ્ટ માર્ક વૈન રેન્સ્ટે કહ્યું કે, તેમને શંકા છે કે સાંતા કલોઝના લીધે આટલા મોટાપાયા પર લોકો સંક્રમિત થયા હશે. તેમને કેયર હોમમાં ખરાબ વેન્ટિલેશનને પણ કોરોના ફેલાવવા માટે જવાબદાર ગણાવ્યા.

(9:41 am IST)