Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

છેલ્લા સપ્તાહમાં સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો

ચાંદીની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો :૫ ફેબ્રુઆરી, ૨૧ના વાયદા સોનાનો ભાવ એમસીએક્સ એક્સચેન્જ પર ૭૬ના ઘટાડા સાથે ૫૦,૦૭૩ પર બંધ

નવી દિલ્હી, તા. ૨૭ : આ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ ગુરૂવારના ૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના વાયદા સોનાનો ભાવ એમસીએક્સ એક્સચેન્જ પર ૭૬ રૂપિયાના ઘટાડા સાથે ૫૦,૦૭૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયો હતો. આ સિવાય પાંચ એપ્રિલ, ૨૦૨૧ના સોનાની વાયદા કિંમત સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ ગુરૂવારે એમસીએક્સ પર ૧૯ રૂપિયાના ઘટાડા સાથે ૫૦,૧૨૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થઈ હતી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ક્રિસમસ હોવાને કારણે સોની બજાર બંધ રહ્યા હતા.

આ સપ્તાહે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવાર, ૨૧ ડિસેમ્બરે એમસીએક્સ પર પાંચ ફેબ્રુઆરી, ૨૦૨૧ વાયદા સોનાનો ભાવ ૫૦,૫૧૫  રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ખુલ્યો હતો. તો તેના પાછલા સત્રમાં સોનાનો ભાવ ૫૦૩૦૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયો હતો. આ પ્રકારે સોનાની કિંમતમાં આ સપ્તાહે ૨૩૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો થયો છે.

આ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ ગુરૂવાર પાંચ માર્ચ, ૨૦૨૧ વાયદાની ચાંદી કિંમત એમસીએક્સ પર ૬૭ રૂપિયાના ઘટાડા સાથે ૬૭,૫૦૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ ચાંદીનો ભાવ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવાર, ૨૧ ડિસેમ્બરે એમસીએક્સ પર ૬૮,૯૫૮ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો હતો. તેનાથી પાછલા સત્રમાં તે ૬૭,૯૦૭ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. આ રીતે ચાંદીના ભાવમાં આ સપ્તાહે ૩૯૮ રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો થયો છે.

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે વૈશ્વિક સ્તર પર સોનાની હાજર અને વાયદા બન્ને કિંમતોમાં વધારો થયો હતો. સોનાનો વાયદા ભાવ ગુરૂવારે ૫.૧૦ ડોલરના વધારા સાથે  ૧૮૮૩.૨૦ ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. તો સોનાનો વૈશ્વિક હાજર ભાવ ૦.૫૬ ટકા એટલે કે ૧૦.૫૭ ડોલરના વધારા સાથે ૧૮૮૩.૪૬ ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો.

સપ્તાહના છેલ્લા દિવસે ચાંદીના વાયદા ભાવમાં ઘટાડો અને હાજર ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ગુરૂવારે ચાંદીનો વાયદા ભાવ ૦.૦૫ ટકા એટલે કે ૦.૦૧ ડોલરના ઘટાડા સાથે ૨૫.૯૧ ડોલર પ્રતિ ઔંસ સાથે બંધ થયો હતો. તો ચાંદીનો હાજર ભાવ ૧.૧૩ ટકા એટલે કે ૦.૨૯ ડોલરના વધારા સાથે  ૨૫.૮૩ ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો.

(12:00 am IST)