Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

કુલભુષણ મામલે પાકિસ્તાને બેશરમીની હદ વટાવી

સંસદમાં લાગ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારાઃ કુલભુષણની પત્ની - માતા સાથે પાકિસ્તાનનો અમાનવીય વ્યવહારઃ સુષ્મા સ્વરાજઃ પાકિસ્તાને બંને સુહાગીનને વિધવા તરીકે રજુ કરીઃ ૧૩૦ કરોડ ભારતીયોનું અપમાનઃ બંને ગૃહોમાં પાકિસ્તાન ઉપર ધોવાયા માછલા

નવી દિલ્હી તા. ૨૮ : જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નૌસેનાના પૂર્વ ઓફિસર કુલભૂષણ જાધવની તેમની માતા અને પત્નીની મુલાકાત દરમ્યાન પાકિસ્તાનના શરમજનક વ્યવહાર પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે સંસદમાં નિવેદન આપ્યું છે. સુષ્માએ કહ્યું કે પાકિસ્તાને મુલાકાત દરમ્યાન શરતોનું છડેચોક ઉલ્લંઘન કર્યું.

સુષ્મા કહ્યું કે જાધવની માતા અને પત્નીના મંગળસૂત્ર, બંગડી, ચાલ્લો સુદ્ઘા કઢાવી તેમને વિધવાની જેમ રજૂ કરાયા. સુષ્મા સ્વરાજે કહ્યું કે આ બેઅદબીની હદ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની આ શરમજનક કરતૂતની આખી સંસદ અને આખો દેશ નિંદા કરે છે. તો કોંગ્રેસે પણ જાધવના પરિવારના અપમાનને આખા હિન્દુસ્તાનનું અપમાન ગણાવ્યું છે.

સુષ્માએ કહ્યું કે ડિપ્લોમેટ પ્રયાસો બાદ મુલાકાત નક્કી કરાઈ. તેમણે કહ્યું કે ૨૨ મહિના બાદ એક માતાની દીકરા સાથે અને એક પત્નીની પતિ સાથે ભાવુક મુલાકાતને પાકિસ્તાને પ્રોપગેન્ડાના હથિયાર તરીકે ઉપયોગ કર્યો. સુષ્માએ કહ્યું કે ભારતે કહ્યું હતું કે જાધવની માતા અને પત્ની સુધી પાકિસ્તાન મીડિયાને ન આવવા દે, પરંતુ પાકિસ્તાની પ્રેસને તેની પાસે આવવા દેવાયું હતું અને પ્રેસે બંને મહિલાઓ સાથે ખરાબ વર્તન કર્યું. આ શરતોનું ઉલ્લંઘન છે.

સુષ્મા સ્વરાજે કહ્યું કે બંનેના કપડાં સુદ્ઘા બદલાવી દીધા. તેમણે કહ્યું કે જાધવની માતા સાડી પહેરે છે પરંતુ તેને સલવાર કમીઝ પહેરાવા મજબૂર કર્યા. પત્ની અને મતાનો ચાંલ્લો-બંગડી અને મંગળસૂત્ર ઉતરાવી દેવાયા. તેમણે કહ્યું કે મેં જાધવની માતા સાથે વાત કરી તેમણે કહ્યું કે જાધવે બેસતાની સાથે જ સૌથી પહેલાં પૂછયું કે બાબા કેમ છે, કારણ કે ચાંલ્લો ના હોવાથી તેને કંઈક અનહોનીની આશંકા હતી. સુષ્માએ કહ્યું કે બંને મહિલાઓને વિધવાના રૃપમાં રજૂ કરાયા. પાકિસ્તાન આવી રીતે પરીક્ષા ના લઈ શકે.

સુષ્માએ કહ્યું કે જાધવની માતા મરાઠીમાં વાત કરવા માંગતા હતા પરંતુ તેની મંજૂરી આપી નહી. તેમણે કહ્યું કે ભારતના ડેપ્યુટી હાઈ કમિશ્નરને કહ્યા વગર પરિવારજનોને પાછલા દરવાજાથી મુલાકાત માટે લઈ ગયા. આથી તેઓ એ જોઈ ના શકયા કે જાધવના માતા અને પત્નીનો ચાંલ્લો, મંગળસૂત્ર અને બંગડીઓને ઉતરાવી દીધી છે. તેમણે કહ્યું કે ડેપ્યુટી હાઈકમિશનર એ જોઈ ના શકયા નહીં તો તેઓ ત્યાં જ ના પાડી હોત. આપને જણાવી દઈએ કે પાકિસ્તાને ભારતને આપત્તિઓને એ કહીને નકારી દીધી છે કે જો કંઈ ખોટું થયું હોત તો ભારતે એ જ સમયે વિરોધ કરવો જોઈતો હતો.

સુષ્માએ કહ્યું કે જાધવના પત્નીના જૂતા ઉતરાવી દીધા અને પાછા પણ આપ્યા નહીં. તેમણે કહ્યું કે અમને લાગે છે કે પાકિસ્તાની અધિકારી કંઈક છેડછાડ કરવાના છે. અમારી આશંકા સાચી સાબિત થઈ રહી છે. જૂતામાં કેમેરા, ચીપ, રેકોર્ડરની વાત કહેવાય રહી છે. આ જૂતામાં જ તેમનાં પત્ની દુબઈ અને ઈસ્લામાબાદ એરપોર્ટ ગયા હતાં, પરંતુ ચીપ દેખાઈ નહી અને હવે છેડછાડ કરીને દુષ્પ્રચાર કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ પાકિસ્તાનનું એવું જુઠ્ઠાણું છે તેનો તરત પર્દાફાશ થઈ રહ્યો છે. આખરે જે જૂતાને પહેરી તેઓ એરપોર્ટ પર સિકયોરિટી ચેકિંગમાંથી પસાર થયા અને કંઈ ના મળ્યું તો તેમના જૂતામાં ચિપ કયાંથી આવી ગઈ.

સુષ્માએ કહ્યું કે મુલાકાતના સમયે જાધવ તણાવમાં દેખાઈ રહ્યાં હતા અને દબાણમાં હતા. તેમણે કહ્યું કે કેદ કરનારાઓએ જે ભણાવ્યું હતું તે જ તેઓ બોલી રહ્યા હતા. તેના હાવભાવ પરથી ખબર પડી રહી હતી કે તેઓ પૂરી રીતે સ્વસ્થ નહોતા. પાકિસ્તાન માનવીય આધાર પર મુલાકાત ગણાવી રહ્યું છે પરંતુ ન માનવીયતા હતી ન ઉદારતા. ઉલટાનું પરિવારજનોના માનવાધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.

માતાના ગળામાં મંગળસૂત્ર નહીં જોતા  જાધવે પૂછયું, બાબા કેમ છે?: સુષ્મા સ્વરાજ

નવી દિલ્હી તા. ૨૮ : ભારતીય નાગરિક કુલભૂષણ જાધવનાં પરિવાર સાથે તયેલા દુર્વ્યવહારનાં મુદ્દા પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે ૨૫ ડિસેમ્બરે જાધવનાં પરિવારે પાકિસ્તાનમાં જાધવ સાથે જે રીતે મુલાકાત કરી હતી. અમે આ મુદ્દાને લઈને આઈસીજે સુધી ગયા અને પાકિસ્તાનનાં નિર્ણયને અત્યારે આંતરરાષ્ટ્રીય કોર્ટે અટકાવી દીધો છે. આ પહેલા પણ આ મુદ્દો બુધવારે લોકસભામાં ઉઠાવ્યો હતો તેમજ દરેક સભ્યોએ પાકિસ્તાનનાં આ કારસ્તાનની આકરી ટીકા કરી હતી.

સુષ્મા સ્વરાજે કહ્યું કે સુરક્ષાનાં નામ પર પરિવારનાં કપડા સુદ્ઘા ઉતારાઈ દેવાયા હતાં. જાધવની માતા સાડી પહેરે છે તેમ છતા પણ તેમને પહેરવા માટે ડ્રેસ આપવામાં આવ્યો. સુષ્મા સ્વરાજે કહ્યું કે આટલું જ નહીં જાધવનાં માતા અને તેનાં પત્નીનો ચાંદલો, બંગડી તેમજ મંગળસૂત્ર કાઢવાની પણ ફરજ પાડી હતી. કુલભૂષણની માતાએ પાકિસ્તાની અધિકારીઓને કહ્યું કે આ મારા પતિની નિશાની છે અને આજ સુધી મેં કયારેય પણ મંગળસૂત્ર નથી કાઢ્યું તેમ છતા પણ પાકિસ્તાની અધિકારીઓ ટસનાં મસ ના જ થયાં.

કુલભૂષણ જાધવની માતા અને પત્ની જયારે તેમને મળ્યા અને જાધવે તેની માતા ને જોયા ત્યારે પોતાની માતાનાં ગળામાં મંગળસૂત્ર અને ચાંદલો નહીં જોતા તેમણે સૌથી પહેલો પ્રશ્ન પોતાની માતાને એ પૂછ્યો કે 'બાબા ઠીક તો છે ને?' ગુલાબ નબી આઝાદે કહ્યું કે અમને જાધવની સુરક્ષાની ચિંતા છે. તેમણે કહ્યું કે જાધવ પર ખોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેમજ પાકિસ્તાની વર્તણૂક ખૂબ જ નિંદનીય રહી.

બુધવારે શિવસેનાનાં અરવિંદ સાવંતે કહ્યું કે જાધવની માતા અને પત્નીનાં ચાંદલા, બંગડી અને મંગળસૂત્ર અને ચંપલ પણ ઉતારી દેવડાયા હતાં. પાકિસ્તાને જાધવ અને તેની માતા-પત્નીની મુલાકાત કરાવવાનું કહીને બંને વચ્ચે કાચની દિવાલ ઉભી કરી દીધી હતી. જાધવ તેમની માતા અને પત્નીને એકબીજાને મળ્યે લગભગ બે વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતા પણ તેઓ એકબીજાને ગળે પણ ના લાગી શકયા.

આટલું જ નહીં, પાકિસ્તાને તેમને તેમની માતૃભાષા મરાઠીમાં પણ વાત કરવાની છૂટ નહોંચી આપી. જાધવને અને તેનાં માતા તેમજ પત્નીને કડક સૂચના આપવામાં આવી હતી કે તેઓ ફકત હિન્દી ભાષામાં જ વાત કરી શકશે. જેથી શું વાત થઈ રહી છે તે તેઓ સ્પષ્ટ પણે અને સરળતાથી સાંભળી શકે. શિવસેના સાંસદે કહ્યું કે પાકિસ્તાનનો બીજો અર્થ થાય છે વિશ્વાસઘાતી. જાધવને જયાં સુધી ભારત પાછા નહીં લાવવામાં આવે ત્યાં સુધી શાંતીથી ના બેસવું જોઈએ.

(4:48 pm IST)