Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

જાધવની માતાએ પાકની કુટિલ યોજનાને ફેલ કરી

જાધવની માતા અવંતિ જાધવે મુલાકાત દરમિયાન સાહસનો પરિચય દર્શાવ્યો અને પાકિસ્તાનના કુટિલ ઇરાદા પર પાણી ફેરવી દીધું

નવી દિલ્હી તા. ૨૮ : નૌસેનાના પૂર્વ અધિકરી કુલભૂષણ જાધવની મા અવંતિ જાધવે મુલાકાત દરમિયાન સાહસનો પરિચય દર્શાવ્યો અને પાકિસ્તાનના કુટિલ ઈરાદા પર પાણી ફેરવી દીધું. જયારે જાધવ પર પાકિસ્તાન તરફથી દાખલ કરાયેલી ચાર્જશીટનો ઉલ્લેખ કરી રહ્યો હતો ત્યારે જ તેમણે પોતાના દીકરાને વચ્ચે ટોકીને કહ્યું, 'તું શા માટે આમ કહી રહ્યો છે? તુ ઈરાનમાં બિઝનેસ કરતો હતો જયાંથી તને કિડનેપ કરાયો. તારે સાચું બોલવું જોઈએ.' અવંતિએ આ વાત ત્યારે કહી જયારે તે પોતાની દીકરી ચેતનાની સાથે જાધવને મળવા માટે પાકિસ્તાન ગઈ હતી.

જાધવે બહુ વિચિત્ર રીતે તેનું અભિવાદન કર્યું હતું. તે એ આરોપોને કબૂલતો હોય તેવું લાગતું હતું, જે પાકિસ્તાને તેના ઉપર લગાયા હતા અને જેનો ભારત વિરોધ કરી રહ્યું છે. પાકિસ્તાને જાધવ પર ભારતીય જાસૂસ હોવાનો અને આતંકી હુમલાનું ષડ્યંત્ર કરતો હોવાનો આરોપ લગાવ્યો છે.

પરિવારને ૨૨ મહિના પછી તેની જે પ્રતિક્રિયા હોવી જોઈતી હતી, તે એવી નહોતી. આ વ્યવહાર તેમની મા તરફથી નહોતો થઈ રહ્યો. ૭૦ વર્ષના અવંતિ પાકિસ્તાની અધિકારીઓની ડરાવી દેનારી નજર વચ્ચે બેટાને એ કહેવામાં સફળ બન્યા કે તે પાકિસ્તાની સેના અને ISI દ્વારા આપવામાં આવેલી સ્ક્રીપ્ટ ન વાંચે. અવંતિએ સાહસ અને સંભવતઃ એ પાકિસ્તાની અધિકારીઓના કામ પર પાણી નાખી દીધું જે પરિવાર સમક્ષ જાધવની કબૂલાતનામાનું રેકોર્ડિંગને ભારત અને તેની વિરુદ્ઘ મજબૂત રીતે રજૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા.

જણાવી દઈએ કે, પાકિસ્તાને શરુઆતમાં માત્ર ચેતનાને વિઝા આપ્યા હતા, પણ ભારતીય દબાણના કારણે તેમની માતાને પણ વીઝા આપવામાં આવ્યા. જોકે, ભારતને એ વાતનો ડર છે કે પાકિસ્તાન જાધવ અને તેમના પરિવારની વાતચીતના ઓડિયો સાથે છેડછાડ કરી શકે છે, પણ ભારત એ વાતથી રાહત અનુભવી રહ્યું છે કે અવંતિના સાહસના કારણે પાકિસ્તાની યોજના પર પાણી ફરી ગયું.

અવંતિની હાજરીના કારણે એ ડરામણા માહોલમાં ચેતનાને સંયમ બનાવી રાખવામાં મદદ મળી. ભારતને અંદેશો હતો કે મુલાકાત દરમિયાન કંઈક થશે અને આ અંદેશાની એ વખતે પુષ્ટી થઈ ગઈ જયારે બન્ને મહિલાઓની સાથે જવા તૈયાર ડિપ્લોમેટને પાકિસ્તાનના વીઝા ન આપ્યા.

મુલાકાત પછી અવંતિ અને ચેતના પાકિસ્તાની પત્રકારોના ખરાબ વ્યવહારનો પણ શિકાર બની. આ બન્ને દેશો વચ્ચે બનેલી મુલાકાતની રુપરેખાને લઈને બનેલી સહમતિનું પણ ઉલ્લંઘન હતું. ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર જેપી સિંહે સંયમ ગુમાવતા દેખાયા જયારે તેમના વાહન સુધી પહોંચવા માટે તેમણે વધારે ચાલવું પડ્યું. માનવામાં આવી રહ્યું છે કે આ પાકિસ્તાનની ચાલ હતી જેથી તેમને પત્રકારોને સવાલોનો સામનો કરવો પડ્યો.

(11:41 am IST)